આજે(બુધવાર) સુરત શહેરમાં 421 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે તેમજ 636 કરોડના પ્રોજેક્ટનું પીએમ મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે. પીએમ મોદી સુરત એરપોર્ટ ખાતે નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ભૂમિપૂજન તથા સભા સંબોધશે. વડાપ્રધાન મોદીના સુરત આગમન અને રોકાણ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાબેતા મુજબ જળવાઇ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન અને રોકાણ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાબેતા મુજબ જળવાઇ રહે તે માટે ફુલપ્રૂફ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેર ઉપરાંત રાજ્યભરની પોલીસના કુલ 3,278 અધિકારીઓ-કર્મચારીઓને તૈનાત કરાયા છે.એસપીજી અને એનએસજીની ટીમ પણ સામેલ થઈ છે.
જે સમયે વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી રામપુરા જવા રવાના થશે એ સમયગાળામાં સામાન્ય લોકોને ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડશે. પીએમ મોદી આજે બુધવારે સુરત ખાતે એરપોર્ટના ઉદ્ઘાટન કાર્યકમ બાદ બપોરે 2 વાગ્યે રામપુરા વિનસ હોસ્પિટલ જવા નીકળશે. પીએમ નીકળે તે સમયે વાહન ચાલકોને પોલીસે અટકાવી દઈ જયાંથી કાફલો એકાદ કિમી સુધી નીકળી ન જાય ત્યાં સુધી ચાલકોને આગળ જવાની પરમિશન આપવામાં આવશે નહીં.