સોમનાથ ખાતે આગામી 17 થી 26 એપ્રિલ દરમિયાન આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં આપશે હાજરી 

 વડાપ્રધાન સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી મહાઆરતીનો લાભ પણ લેશ

 

વડાપ્રધાન મોદી 17 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સોમનાથ ખાતે આગામી 17 થી 26 એપ્રિલ દરમિયાન આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપશે. આ વેળાએ વડાપ્રધાન સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી મહાઆરતીનો લાભ પણ લેશે.

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં આગામી 17 થી 26 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો પહેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી સ્થળાંતર કરીને તમિલનાડુ રાજ્યમાં સ્થાયી થયેલા લોકોને સન્માનિત કરવા તેમજ બંને રાજ્યો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરી સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના 10 દિવસ દરમિયાન બંને રાજ્યો વચ્ચે ઈતિહાસ, કલા, ભાષા અને સંસ્કૃતિનું જે આદાન-પ્રદાન થશે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી નવી દિશા આપશે. આ સંગમ ઇતિહાસમાં બે રાજ્યો વચ્ચેનું સૌપ્રથમ અને સૌથી મોટું પુન:મિલન હશે, જે આ બંને રાજ્યોના ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના બનશે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચે કલા, ખાણી-પીણી, સાહિત્ય અને રમત-ગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓની આપ-લે માટે પ્રદર્શનો, મીટીંગો, ચર્ચાઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં વસતા લગભગ 12 લાખ જેટલા સૌરાષ્ટ્રીયન લોકોને આવકારવા માટે  ચેન્નાઈ, મદુરાઈ, દીંડીગુલ, પરમકુડુ, સાલેમ, કુમ્બાકોનમ, થન્જાવુંર અને ત્રીચીમાં રોડ શોનું પણ આયોજન કરાયું છે.

બીજી તરફ સોમનાથ ખાતેના મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. તેઓ તામિલ સંગમ કાર્યક્રમનો શુભારંભ કરાવવાના હોવાનું જાણવા મળ્યું છે જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે પધારશે ત્યારે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવીને તેઓ મહાઆરતીનો પણ લાભ લેશે તેવું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ, દ્વારકા,એકતાનગર અને પોરબંદર સહિતના સ્થળોએ પણ યોજાશે કાર્યક્રમ

સૌરાષ્ટ્ર તમિલ સંગમનો મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાશે. આ ઉપરાંત દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર, રાજકોટ અને પોરબંદર સહિત રાજ્યના વિવિધ સ્થળો ખાતે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ અન્ય કાર્યક્રમ  અંગે હજુ સુધી કોઈ ચોક્કસ રૂપરેખા જાહેર કરવામાં આવી નથી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.