ગુરુવારે બપોરે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક ડેલિગેશન પ્રધાનમંત્રી મોદીને દિલ્હી ખાતે મળ્યું હતું. આ ડેલિગેશનમાં રણવીર સિંહ, વરુણ ધવન, આયુષ્માન ખુરાના, કરણ જોહર, રોહિત શેટ્ટી, રણબીર કપૂર, રાજકુમાર રાવ, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા ફિલ્મ કસબીઓ સામેલ હતા. આનંદની વાત એ હતી કે આ વખતના ડેલિગેશનમાં સ્ત્રીઓની હાજરી પણ હતી. આ વખતે આલિયા ભટ્ટ, ભૂમિ પેડણેકર, અશ્વિની ઐયર તિવારી અને એકતા કપૂર જેવાં મહિલા કસબીઓ પણ સામેલ હતાં.
મળતી માહિતી પ્રમાણે આ મુલાકાત ફિલ્મ પ્રોડ્યસર કરણ જોહર અને મહાવીર જૈને ગોઠવી હતી. મુલાકાતનો સત્તાવાર હેતુ ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ યુથ આઈકન્સનો દેશના નિર્માણમાં ફાળો’ એવો આપવામાં આવ્યો હતો. ‘બરેલી કી બરફી’ જેવી ફિલ્મ બનાવનારાં દિગ્દર્શિકા અશ્વિની ઐયર તિવારીએ મૂકેલી ટ્વીટમાં એમણે પ્રધાનમંત્રીનો તાજેતરમાં ફિલ્મની ટિકિટો પરના GSTમાં કરાયેલા ઘટાડાના મુદ્દે આભાર પણ પ્રગટ કર્યો હતો. આ મુલાકાત બાદ આ કલાકાર-કસબીઓએ પ્રધાનમંત્રી સાથે લીધેલી સેલ્ફી સોશિયલ મીડિયામાં પ્રગટ થઈ અને ફટાફટ વાઈરલ થવા લાગી.
ડિસેમ્બરની મીટિંગમાં ફિલ્મમેકર્સે ફિલ્મો પર લાગતો GST ઘટાડવાની અપીલ કરી હતી, જે તરત જ સ્વીકારાઈ ગઈ અને થોડા સમયમાં જ તેની જાહેરાત પણ થઈ ગઈ.