સૌરાષ્ટ્ર- તમિલ સંગમ કાર્યક્રમનો વડાપ્રધાન મોદીના હસ્તે થશે પ્રારંભ, ત્યારબાદ દમણ ખાતે રોડ-શો સહિતના કાર્યક્રમો
વડાપ્રધાન મોદી 17મીએ સોમનાથ દાદાના દરબારમાં પહોંચશે. જ્યાં તેઓ સૌરાષ્ટ્ર- તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ કરાવશ. ત્યારબાદ તેઓ દમણ ખાતે રોડ-શો સહિતના કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે.
વર્ષો અગાઉ વિધર્મી આક્રમણને લઈને સૌરાષ્ટ્રમાંથી તામિલનાડુમાં જઇને વસેલા મૂળ સૌરાષ્ટ્રવાસીઓને ફરી સૌરાષ્ટ્ર અને ગુજરાત સાથે જોડવા માટે આયોજિત કરાયેલા સૌરાષ્ટ્ર- તામિલ સંગમમ કાર્યક્રમનો પ્રારંભ 17મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતેથી કરાવશે. આ કાર્યક્રમ માટે મોદી સોમનાથની ટૂંકી મુલાકાત લેશે. આ વેળાએ તેઓ સોમનાથ દાદાના દર્શનનો લાભ પણ લેશે.
17મીએ દમણ ખાતે વડાપ્રધાન મોદીનો રોડ શો અને અન્ય કાર્યક્રમો છે તે પહેલા મોદી સોમનાથ આવશે. સવારે 11 કલાકે સૌરાષ્ટ્ર- તામિલ સંગમમનો પ્રારંભ કરાવશે અને મૂળ સૌરાષ્ટ્રવાસીઓને સંબોધન પણ કરશે. ત્યારબાદ મોદી દમણ જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઈ કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમથી બંને રાજ્યો વચ્ચે ભાષા, સંસ્કૃતિ, વારસો, સાહિત્ય, કલા, વ્યવસાય અને શિક્ષણ સહિતનું આદાન પ્રદાન થવાનું છે તેમ તેઓએ જણાવ્યું હતું.
તામિલથી 4 હજાર જેટલા લોકો ખાસ ટ્રેન મારફત સોમનાથ આવશે
સૌરાષ્ટ્ર- તામિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત તામિલનાડુમાં વસતા 4 હજારથી વધુ મૂળ સૌરાષ્ટ્રવાસીઓ સોમનાથ ખાતે આવનાર છે. જેમના માટે તામિલનાડુથી ખાસ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 17થી 30 એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળોએ સૌરાષ્ટ્ર- તામિલ સંગમમ કાર્યક્રમ યોજાશે. તામિલનાડુથી 10 ટ્રેન મારફતે મૂળ સૌરાષ્ટ્રવાસીઓ ગુજરાત આવશે.
રાજકોટ, પોરબંદર, દ્વારકા અને એકતાનગર ખાતે પણ યોજાશે કાર્યક્રમ
સોમનાથ ખાતેના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમથી બંને રાજ્યો વચ્ચે ભાષા, સંસ્કૃતિ, વારસો, સાહિત્ય, કલા, વ્યવસાય અને શિક્ષણ સહિતનું આદાન પ્રદાન થશે. જેના માટે ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચિત્ર, સંગીત, ડ્રામા, પ્રદર્શન, લોકગાયન, હસ્તકલા, ભાષા, રાંધણકલા, શોપિંગ ફેસ્ટીવલ, બિઝનેસ મીટ અને રમત ગમત વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.