ફોર્મ ભર્યા પૂર્વે મોદીએ ગંગા આરતી કરી દશાશ્વમેધ ઘાટથી ક્રુઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા, ત્યાં કાલ ભૈરવના દર્શન કર્યા
વડાપ્રધાન મોદીએ વારણસી બેઠક ઉપરથી આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભર્યા પૂર્વે મોદીએ ગંગા આરતી કરી દશાશ્વમેધ ઘાટથી ક્રુઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા, ત્યાં કાલ ભૈરવના દર્શન કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે ચાર સમર્થક અને સીએમ યોગી હાજર રહ્યા હતા. સમર્થકોમાં ગણેશ્વર શાસ્ત્રી, બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહા અને સંજય સોનકરનો સમાવેશ થાય છે, જેમણે રામ મંદિરનું મુહૂર્ત નક્કી કર્યું હતું. ફોર્મ ભર્યા બાદ પીએમ રુદ્રાક્ષ ક્ધવેન્શન સેન્ટર પહોંચ્યા હતા. અહીં તેઓ સંમેલનને સંબોધન કર્યું હતું.
પીએમ નોમિનેશન માટે 50 મિનિટ સુધી કલેક્ટર ઓફિસમાં રોકાયા હતા. અમિત શાહ, નડ્ડા, રાજનાથ સિંહ સહીત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ વારાણસીમાં હાજર રહ્યા હતા. જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો-ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા હતા.
સવારે પીએમ મોદી દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. અહીં વેંકટરામન ઘનપાઠીએ અંગવસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને ગંગાની પૂજા – આરતી કરી હતી. 1 કલાક સુધી તેઓ ઘાટ પર રહ્યા હતા.
પીએમ દશાશ્વમેધ ઘાટથી ક્રુઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા હતા. બાદમાં મોદીએ કાલ ભૈરવના મંદિરે પહોંચી કાલભૈરવના દર્શન કર્યા. અહીંથી તેઓ સીધા કલેક્ટર કચેરીએ પહોંચીને નોમિનેશન ફાઇલ કર્યું હતું. રુદ્રાક્ષ ક્ધવેન્શન સેન્ટર ખાતે પ્રબુદ્ધ સંમેલનને સંબોધ્યા બાદ તેઓએ માલદહિયામાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાને કાલ ભૈરવ અને ગંગાજીની પૂજા અર્ચના કરી
વડાપ્રધાન મોદીએ આજે નામાંકન પત્ર દાખલ કર્યા પૂર્વે કાલ ભૈરવજીના મંદિરમાં દર્શન અને પૂજા કરવાનો લ્હાવો લીધો હતો. આ સાથે તેઓએ ગંગાજીની મહાઆરતી કરી હતી. આ વેળાએ વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.