ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જાણીતા અર્થશાસ્ત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ PM ડૉ. મનમોહનસિંહ આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં તેઓ વ્યવસાયિકો અને વેપારીઓની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તેઓ GST અને નોટબંધી સહિત આર્થિક સમસ્યાઓ અંગે ચર્ચા કરશે. ત્યાર બાદ ડૉ. સિંહ પત્રકારોને સંબોધન કરશે.
જાણીતા અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા ડૉ. મનમોહન સિંઘ તા. ૭/૧૧/૨૦૧૭ ને આજે મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ થી ૨-૦૦ કલાક સુધી અમદાવાદમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જેમાં સવારે સાડા દસ વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું આગમન થશે.
એરપોર્ટથી તેઓ સરદાર પટેલ સ્મારક ભવન, શાહીબાગ ખાતે જશે, જ્યાં તેઓ વ્યાવસાયિકો, વેપારીઓ, નાના અને લઘુ ઉદ્યોગકારો સાથે એક બેઠક કરશે.
આ બેઠકમાં તેઓ જીએસટી, નોટબંધી, સહિતની આર્થિક સમસ્યાઓ અંગે ચર્ચા કરશે. જીએસટી અંગેનું માળખું કેવા પ્રકારનું હોવું જોઈએ તે અંગે વ્યાવસાયિકો, વેપારીઓ અને નાના તેમજ લઘુ ઉદ્યોગકારો સાથે વિસ્તૃતમાં ચર્ચા કરશે.
આ સાથે તેઓ કોંગ્રેસ પક્ષ દ્વારા લાગુ કરવામાં આવનાર જીએસટી અંગેનું માળખું કેવા પ્રકારનું હતું અને કેવું હોવું જોઈએ તે અંગેની પણ રૂપરેખા આપશે.
વ્યાવસાયિકો, વેપારીઓ, નાના અને લઘુ ઉદ્યોગકારો સાથેની બેઠક બાદ તેઓ બપોરે એક કલાકે “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, પાલડી, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. ત્યાર બાદ તેઓ અનુકુળતાએ દિલ્હી જવા રવાના થશે.