ગ્રામ પંચાયતોમાં અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે : ૨ હેકટર કરતાં ઓછી જમીન ધરાવતા ખેડૂત ખાતેદારો સત્વરે સંપર્ક કરે : જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ
છેલ્લા આકારણી વર્ષમાં આવક વેરો ચુકવ્યો હોય તેવા ખેડૂત ખાતેદારો લાભને પાત્ર નથી
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડોદરા જિલ્લાના પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોને ભારત સરકારની પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધી યોજનાનો લાભ આપવા માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા યુધ્ધના ધોરણે અને ઝુંબેશના રૂપમાં કામગીરી ઉપાડી લેવામાં આવી છે.
તેવી જાણકારી આપતાં જિલ્લા કલેકટરશ્રીમતિ શાલીનિ અગ્રવાલે જણાવ્યું હતુ કે જિલ્લાની ગ્રામ પંચાયતોમાં લાભને પાત્ર ખેડૂત ખાતેદારો પાસેથી અરજી સ્વીકારવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૩૬ હજાર જેટલા ખેડૂત ખાતેદારોએ ઓનલાઇન અરજી કરી દીધી છે. તેમને જણાવ્યું કે આ ૧૦૦ ટકા કેન્દ્ર સરકાર સહાયિત યોજના છે જેનો આશય નાના અને સિમાંત ખેડૂતોની આવક વધારવાનો છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરીએ જણાવ્યુ હતુ કે જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવાની સાથે મળેલી અરજીઓની ડેટા એન્ટ્રી કરવાની કામગીરી પણ યુધ્ધના ધોરણે થઇ રહી છે. આ અરજીઓને બહાલી આપવા માટે વિશેષ ગ્રામ સભાઓ યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે. લાયક અરજદારોને સત્વરે યોજના હેઠળ મળવાપાત્ર રૂ. ૨૦૦૦/-નો પ્રથમ હપ્તો ડીબીટી હેઠળ મળી જાય તે માટેની તકેદારીઓ લેવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા આકારણી વર્ષમાં આવક વેરો ચુકવ્યો હોય તેવા ખેડૂત ખાતેદારો લાભને પાત્ર નથી આ ઉપરાંત યોજનાનો લાભ મળવાપાત્ર નથી એના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે જે ધ્યાનમાં લઇને અરજીઓ મંજુર કરવામાં આવશે. અરજદાર ખેડૂત ખાતેદારોએ ગેરપાત્રતા યાદિમાં સમાવેશ થતો નથી.
તે અંગેનું નિયત નમુનાના એકરાર નામુ રજુ કરવાનુ રહેશે જેના આધારે લાભાર્થી તરીકેની પાત્રતા નક્કી કરવામાં આવશે. બે હેકટર કરતાં ઓછી જમીન ધરાવતાં ખેડૂત ખાતેદારો પ્રાથમિક રીતે યોજનાનો લાભ લેવાને પાત્ર છે. સંબંધિત ખાતેદાર પાસે હાલમાં આધારકાર્ડ ન હોય તો વૈકલ્પિક પુરાવાઓના આધારે પ્રથમ હપ્તા માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે પરંતુ બીજા હપ્તાની પાત્રતા માટે સંબંધિત ખેડૂત ખાતેદારોએ આધારકાર્ડ બનાવી લેવુ પડશે.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એન.એમ.વસાવાએ આ અંગે જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM-KISAN) અન્વયે બે હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂપિયા ૬૦૦૦/- ત્રણ હપ્તામાં સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(ડી.બી.ટી) માધ્યમથી આપવાનો થાય છે .
જેનો પ્રથમ હપ્તો તા.૦૧/૧૨/૨૦૧૮ થી તા.૩૧/૦૩/૨૦૧૯ દરમ્યાનનો રૂ.૨૦૦૦/- ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી) દ્વારા મળવાપાત્ર થાય છે. જે અન્વયે યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂત કુટુંબોને આગામી દિન પાંચમાં ગ્રામ પંચાયત ખાતે નિયત અરજીફોર્મ તથા નિયત એકરાર નામું, આધારકાર્ડ(સ્વ પ્રમાણીત), ચોખ્ખી બેંક પાસબુકની નકલ, નમુનો ૮-અ, મોબાઇલ નંબર સાથે લઇ જઇ ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે.
ખેડૂત કુટુંબમાં પતિ, પત્ની અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) જેઓ સંયુક્ત રીતે પોતાની બે હેકટરથી ઓછી ખેડાણ લાયક જમીન ધરાવતા હોય તેઓનો સમાવેશ કરવામાં આવશે. સદર યોજના માટે પાત્રતા અને બીનપાત્રતાના ધારાધોરણો જે તે ગામની ગ્રામપંચાયતના નોટીસબોર્ડ, દુધ મંડળી તથા સસ્તા અનાજની દુકાન ઉપર પ્રદર્શિત કરવામાં આવી છે જે જોઇ પાત્રતા ધરાવતા ખેડૂત કુટુંબોને વહેલી તકે ગ્રામપંચાયત કચેરીએ રૂબરૂ સંપર્ક કરી અરજી કરવા જણાવવામાં આવે છે.