રાજકોટમાં પીપીપી આવાસ યોજના અને આઈ-વે પ્રોજેકટ ફેસ-૨નું લોકાર્પણ પણ કરશે: આણંદમાં અમુલના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન અને કચ્છના અંજારમાં પણ કાર્યક્રમોમાં હાજરી આપશે
દેશના લોકલાડીલા વડાપ્રધાન અને વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રવિવારના રોજ એક દિવસ માટે માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં હોય. રાજય ફરી એક વખત મોદીમય બની જશે. એક દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન રાજકોટમાં નિર્માણ પામેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અલગ અલગ ત્રણ પ્રોજેકટો પણ લોકોને અર્પણ કરશે.
વડાપ્રધાન આણંદમાં અમુલના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ઉપરાંત કચ્છના અંજારમાં પણ એક કાર્યક્રમમાં હાજરી આપશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર, પર્યટન મંત્રાલય અને ભારત સરકારના સહયોગથી સ્વદેશ દર્શન અંતર્ગત રૂ.૨૬ કરોડના ખર્ચે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જયાં અભ્યાસ કર્યો હતો તે આલ્ફેડ હાઈસ્કૂલ ખાતે ૨૬ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કર્યું છે. જેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન દ્વારા રાજકોટ આઈ-વે પ્રોજેકટ ફેસ-૨, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મવડી ખાતે નિર્માણ પામેલા ૩૮૪ આવાસોનું તથા રૈયાધાર ખાતે પીપીપીના ધોરણે બનેલા ૨૪૦ આવાસનું લોકાર્પણ કરી લાભાર્થીઓને સામૂહિક ગૃહ પ્રવેશ કરાવશે. આણંદ ખાતે સવારે અમુલના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છના અંજાર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ બપોરે ૪:૨૦ કલાકે અંજારથી નીકળી ૫:૦૫ કલાકે રાજકોટ આવી પહોંચશે અને સીધા જ ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં જશે જયાં તેઓ એક કલાકના રોકાણ દરમિયાન જાહેરસભાને સંબોધશે. આઈ-વે પ્રોજેકટ ફેસ-૨ અને આવાસનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન ૬:૨૦ કલાકે આલ્ફેડ હાઈસ્કૂલ ખાતે પહોંચશે જયાં તેઓ ૩૦ મીનીટ સુધી ગાંધી મ્યુઝિયમને નિહાળશે. ૭:૧૫ કલાકે તેઓનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થશે અને ૭:૨૦ કલાકે રાજકોટથી દિલ્હી જવા માટે રવાના થઈ જશે. વડાપ્રધાનના હસ્તે મહાત્મા ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ સહિત અલગ અલગ ૪ પ્રોજેકટોના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, રાજકોટ જિલ્લાના પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજકોટના મેયર બિનાબેન આચાર્ય વિશેષ ઉપસ્થિત રહેશે.
ચૌધરી હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભામાં ઉમટી પડવા તથા મહાત્મા ગાંધી મ્યુઝિયમ સહિતના ચાર પ્રોજેકટોના લોકાર્પણના સાક્ષી બનવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, ગુજરાત પ્રવાસન વિભાગના એમ.ડી અને કમિશનર જેનુ દેવન, જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની અને ગુજરાત પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર દ્વારા અપીલ કરવામાં આવી છે.