જીવનમાં કયારેય બેન્કના પગથીયા ન ચડનાર દરિદ્ર નારાયણોના ખાતા બેંકોમાં ખુલ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીથી બચતનું પ્રમાણ પણ વધ્યું
દેશના વડાપ્રધાન સવા વર્ષના ટૂંકાગાળામાં બે વખત રાજકોટના પાટનગર એવા સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યાં હોવાનો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી તરીકે સવા ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ અનેક ઐતિહાસીક નિર્ણયો લીધા છે જેના મીઠા ફળ દેશના છેવાડાના નાગરિકને મળી રહ્યાં છે.
જીવનમાં કયારેય બેંકના પગથીયા ન ચડનાર અને બેંકની કામગીરીથી સદંતરપણે અજાણ એવા લાખો દરિદ્ર નારાયણોના બેંક ખાતા પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખુલ્યા. વડાપ્રધાનની દુરંદેશીના કારણે દેશમાં બચત પ્રમાણમાં પણ વધારો થયો.
વડાપ્રધાન પદે સત્તાઢ થયાના ત્રીજા જ મહિને નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૮ ઓગષ્ટ ૨૦૧૪ના રોજ પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી જેમાં દેશનો સામાન્ય અને છેવાડાનો નાગરિક ઝીરો બેલેન્સ સાથે બેંકમાં પોતાનું ખાતુ ખોલાવી શકે તેવી યોજના અમલમાં મુકવામાં આવી. ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ દેશની તમામ બેંકો દ્વારા એક સાથે ૬૦,૦૦૦થી વધુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેના પરિણામ સ્વરૂપે પ્રધાનમંત્રી જનધન યોજનાના પ્રથમ દિવસે જ દેશમાં ૧.૫ કરોડ બેંક ખાતાઓ ખુલ્યા. પ્રધાનમંત્રીએ આ અભૂતપૂર્વ અવસરને ભારત માટે આર્થિક સ્વતંત્રતા દિવસ બતાવ્યો. માત્ર બે માસમાં જ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત દેશમાં ૫.૨૯ કરોડ બેંક ખાતા ખુલ્યા જેમાં ગ્રામીણ વિસ્તારમાં ૨.૧૨ કરોડ અને શહેરી વિસ્તારમાં ૨.૭ કરોડ ખાતા ખુલ્યા. ૧૭૮ કરોડ ખાતા ધારકોને પેકાર્ડ પણ આપવામાં આવ્યા. કેન્દ્ર શાસીત પ્રદેશ પોંડીચેરી, ચંદીગઢ, ગુજરાતના મહેસાણા અને પોરબંદર જિલ્લામાં બેન્કિંગ સુવિધાઓ સાથે પ્રધાનમંત્રી જનધન યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો.
આ યોજનાનું બીજુ ચરણ ૧૫ ઓગષ્ટ ૨૦૧૫ થી ૧૫ ઓગષ્ટ ૨૦૧૮ સુધી શરૂ કરવામાં આવ્યું. આઝાદીના ૬૦ વર્ષ સુધી જે દરીદ્ર નારાયણે બેંકોના દર્શન પણ નહોતા કર્યા તેઓના બેંક ખાતા ખુલ્યા અને પ્રથમવાર તેઓ બેંકના પગથીયા ચડયા અને બેંકની તમામ પ્રકારની કાર્યવાહીથી વાકેફ થયા.
જનધન યોજનાનો બીજો લાભ દેશને એ પણ મળ્યો કે બચતના પ્રમાણમાં તોતીંગ વધારો થયો. વડાપ્રધાનની દુરંદેશીના કારણે ગરીબો પણ બચત માટે પ્રેરાયા અને દેશની આર્થિક તાકાતમાં વધારો થયો જે બેંકો ખાતા ખોલાવવા માટે લોકોને રીતસર કસરત કરાવતી હતી તે જ બેંકો ખાતા ખોલાવવા માટે સામેથી લોકો પાસે જવા લાગી. પરિણામે ખરા અર્થમાં ગ્રાહક રાજા બન્યો.
આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રીએ બધી બેંકોને એક ઈ-મેઈલ મોકલ્યો હતો જેમાં લખ્યું હતું કે દરેક પરિવાર માટે બેંક ખાતુ હોવું જોઈએ તે એક રાષ્ટ્રીય પ્રાથમિકતા જાહેર કરવામાં આવી છે. આ યોજનામાં સાત કરોડથી પણ વધુ પરિવારોને સામેલ કરવા માટે સરકારે કમરકસી છે. પ્રધાનમંત્રીની આ યોજના દેશભરમાં ખુબજ સફળ થઈ.