લાઇટ હાઉસ પ્રોજેક્ટ અને સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજના લોકાર્પણ માટે અપાયેલા આમંત્રણનો સ્વીકાર: રોડ-શોની પણ શક્યતા
ગુજરાત વિધાનસભાની ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ચોથા નોરતાથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના વિધિવત શ્રીગણેશ કરી દે તેવી સંભાવના જણાઇ રહી છે. 13 દિવસના અંતરમાં પીએમ ચાર વખત ગુજરાતની મુલાકાતે આવનાર છે. દરમિયાન તેઓ ફરી 17મી ઓક્ટોબરના રોજ રાજકોટ શહેરની મુલાકાતે આવે તેવી શક્યતા જણાઇ રહી છે. તેઓના હસ્તે લાઇટ હાઉસ પ્રોજેક્ટ અને સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ સહિતના બ્રિજનું લોકાર્પણ કરે તેવી સંભાવના જણાઇ રહી છે.
શહેરના સ્માર્ટ સિટી વિસ્તાર એવા રૈયામાં કોર્પોરેશન દ્વારા 118 કરોડના ખર્ચે અદ્યતન નવી ટેકનોલોજી દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત 1144 આવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજનું કામ પણ પુરૂં થવામાં છે. મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા વડાપ્રધાનને આ બંને મુખ્ય પ્રોજેક્ટના લોકાર્પણ સહિતના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મુહુર્ત માટે રાજકોટ પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેનો વડાપ્રધાન દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પીએમઓ દ્વારા રાજકોટને 17મી ઓક્ટોબર ડેઇટ આપવામાં આવી છે. જે મોટાભાગે ફાઇનલ માનવામાં આવી રહી છે. રાજકોટની મુલાકાત દરમિયાન લાઇટ હાઉસ પ્રોજેક્ટ અને સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજનું લોકાર્પણ કરશે અને પીએમ એક વિશાળ રોડ-શો યોજે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. જાહેર સભા સહિતના આયોજન ઘડવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન 11મી ઓક્ટોબરના રાજકોટ જિલ્લાના જામ કંડોરણા ખાતે એક જાહેર સભા સંબોધવાના છે.