પ્રોજેકટનું કામ પૂર્ણતાના આરે: ટુંક સમયમાં લાભાર્થીઓ ફલેટનો કબ્જો સોંપાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ.118 કરોડના ખર્ચે બની રહેલ લાઈટહાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાની કાર્ય પ્રગતિનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલીત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમાં અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવેલ. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (મધ્યપ્રદેશ), રાંચી(ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવેલ છે. હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરોમાં 6 જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં.32માં 45 મી. રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થયેલ છે. જેમાં 11 ટાવરમાં કુલ 1144 આવાસો બનાવવામાં આવી રહ્યા છે.આ આવાસ યોજના સ્માર્ટસિટી વિસ્તારમાં આવેલ 3 તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ હોય, આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં 2 રૂમ, લીવીંગરૂમ, રસોડું, ટોઇલેટ- બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે.