રાજકોટ જિલ્લામાં દોઢ લાખ એન્ટ્રી થઈ, ગુજરાત રાજય ૩૩.૧૫ લાખ એન્ટ્રી સાથે દેશમાં ચોથા ક્રમે
પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ યોજનાનું આગામી રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગોરખપુર ખાતેથી ઉદઘાટન કરવામાં આવનાર છે જેને લઈને વહિવટી તંત્ર દ્વારા હેમુગઢવી હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧ હજારથી વધુ ખેડુતો ઉપસ્થિત રહેવાના છે.
આ કાર્યક્રમની તૈયારી સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે અધિકારીઓની બેઠક પણ મળી હતી. બે હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડુતોને વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય આપવા પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાની કેન્દ્રીય બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. યોજનાનો લાભ લેવા માટે ખેડુતોએ ઓનલાઈન અરજી કરવાની રહે છે.
રાજય સરકાર દ્વારા આ અરજીની એન્ટ્રી ઝડપથી પૂર્ણ કરવા માટે વહિવટીતંત્રને આદેશ આપવામાં આવ્યો હતો જેના પગલે કર્મચારીઓએ રાત-દિવસ કામ કરીને એન્ટ્રીઓનું મોટાભાગનું કામ પૂર્ણ કરી દીધું છે. રાજકોટ જિલ્લામાં ગઈકાલ સુધીમાં ૧.૫૦ લાખ એન્ટ્રીઓ થઈ છે જયારે ગુજરાત રાજયમાં ૩૩.૧૫ લાખ એન્ટ્રીઓ થઈ છે. દેશમાં સૌથી વધુ એન્ટ્રીમાં પ્રથમ ઉતર પ્રદેશ, બીજા ક્રમે મહારાષ્ટ્ર, ત્રીજા ક્રમે આંધપ્રદેશ અનેચોથા ક્રમે ગુજરાત રાજય રહ્યું છે. સમગ્ર દેશમાં ૨૬૮૯૫૧૪૪ એન્ટ્રી થવા પામી છે.
પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ યોજનાનું આગામી રવિવારના રોજ ૧૧:૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોરખપુર ખાતેથી ઉદઘાટન કરવાના છે ત્યારે રાજકોટના હેમુગઢવી હોલ ખાતે પણ વહિવટીતંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર ઉદઘાટનનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવનાર છે. આ તકે જિલ્લાના હજારથી વધુ ખેડુતો ઉપસ્થિત રહેવાના છે. ઉદઘાટન બાદ સમગ્ર દેશમાં ખેડુતોને પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ યોજના હેઠળનો પ્રથમ કવાર્ટર ચુકવવાનું શ‚ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.