Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી બે દિવસ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં 33 ટકા મહિલા અનામત બીલને લાવવા બદલ વડાપ્રધાનને ગુજરાતની મહિલાઓ ફુલડે વધાવશે આવતીકાલે છોટાઉદેપુરના બોડેલીમાં પીએમના હસ્તે રૂ. 5206 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

નારી શકિત વંદન બિલ લાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ગુજરાતની મહિલાઓ હોંશભેર પોંખશે: કાલે 5206 કરોડના વિકાસ કામોનું કરશે લોકાર્પણ – ખાતમુહુર્ત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આજે સાંજે 6.30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે નારી શકિત વંદન અધિનિયમ 2023 દ્વારા દેશની નારી શકિતને સન્માન આપનાર પીએમનો હોંશભેર પોંખવા માટે અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજ સેલ પાકિંગ ગ્રાઉન્ડ ખાતે ભવ્યતિ ભવ્ય અભિવાદન સમારોહ યોજાશે. આજે રાત્રી રોકાણ વડાપ્રધાન રાજભવન ખાતે કરશે. આવતીકાલે તેઓ અમદાવાદ સાયન્સ સીટી ખાતે યોજનારા વાયબ્રન્ટ સમિટના સફળ બે દાયકાની ઉજવણીના કાર્યક્રમમાં સામેલ થશે. ત્યાંથી વડાપ્રધાન બોડેલી ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 1 વાગે બોડેલી ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ હાજરી આપશે. તથા બોડેલી ખાતેનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ મોદી વડોદરા પહોંચશે. બપોરે 3 વાગે વડોદરા ખાતે આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમમાં પીએમ હાજરી આપશે. તથા વડોદરા ખાતેના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે 4 વાગે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેમાં તેઓ 5206 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદી ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. તેમજ આવતીકાલે પીએમ મોદી દાહોદને મહત્વની ભેટ આપશે. જેમાં મોદી ઐતિહાસિક છાબ તળાવને ખુલ્લુ મુકશે. 3117 કરોડના ખર્ચે તળાવનું નવીનિકરણ કરાયું છે. તળાવને વિવિધ સુવિધાઓથી સજ્જ કરાયું છે. તેમજ સ્માર્ટી સિટી પ્રોજેક્ટ અંતર્ગત તળાવનું નવીનિકરણ કરાયું છે.

27 સપ્ટેમ્બરે પીએમ મોદી છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાત લેશે. તથા બોડેલીથી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત કાર્યોનું લોકાર્પણ કરશે. તેમાં 1426 કરોડના ખર્ચે સ્માર્ટરૂમ, કોમ્પ્યુટર લેબ બનાવાશે. નવીન વર્ગ ખંડ સહિતની સુવિધાઓ ઉભી કરાશે. તથા 7500 ગામડાઓમાં વાઇ- કાઇ સુવિધા શરૂ કરાશે. 20 લાખથી વધુ લોકોને વાઇ- ફાઇ સુવિધા મળશે. 277 કરોડના માર્ગ અને મકાન વિભાગના કાર્યોનું લોકાર્પણ કરશે.

251 કરોડના શહેરી વિકાસ વિભાગના કાર્યોનું લોકાર્પણ તથા રૂ.80 કરોડના પાણી પુરવઠા વિભાગના કાર્યોનું લોકાર્પણ કરશે. તેમજ દાહોદમાં નવોદય વિધાલયનું લોકાર્પણ પીએમ મોદી કરશે. સાથે જ દાહોદમાં નવા એફએમ સ્ટુડિયોનું લોકાર્પણ કરશે. 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી વડોદરા આવશે. જેમાં નવલખી મેદાનમાં પીએમ મોદીનો કાર્યક્રમ છે.

પીએમની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં 46 સ્થળોએ રોજગાર મેળા,  51000 યુવાનોને નિમણૂક પત્રનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 51,000 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા છે. વડા પ્રધાન મોદી દ્વારા નિમણૂક પત્રોનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિતરણ કરાયું હતું. વડાપ્રધાને આ વેળાએ ઉમેદવારોને સંબોધિત પણ કર્યા હતા. દેશભરમાં 46 સ્થળોએ આ રોજગાર મેળો યોજાયો હતો. રોજગાર મેળાની પહેલ હેઠળ, કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી નવી ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારો પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ, અણુ ઊર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મંત્રાલય સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ કરશે.

વડાપ્રધાન ગુજરાત પ્રવાસના કારણે કેબિનેટ બેઠક એક દિવસ વહેલી

નર્મદાના પુરથી નુકશાની, પીએમના પ્રવાસ અને વાયબ્રન્ટ સમિટ સહિતના મુદ્ે ચર્ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને દર બુધવારે મંત્રી મંડળની બેઠક મળતી હોય છે. દરમિયાન આજ સાંજથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાના કારણે એક દિવસ વહેલી આજે સવારે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. પરંતુ રાજ્યની વર્તમાન સ્થિતિ અને આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા નર્મદાના પાણીના કારણે અનેક જિલ્લાના ગામડાઓમાં તબાહી મચી હતી. રાજ્ય સરકાર દ્વારા પુરગ્રસ્તો માટે સહાય જાહેર કરવામાં આવી છે. છતા આજે કેબિનેટની બેઠકમાં પૂરગ્રસ્તોને વધુ સહાય આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વાયબ્રન્ટ ગુજરાતની તૈયારી મુદે પણ પ્રાથમિક ચર્ચા કરાય હતી.

આવતીકાલે મુખ્યમંત્રી સહિત આખુ મંત્રી મંડળ પીએમના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે આજે એક દિવસ વહેલી કેબિનેટની બેઠક યોજાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.