દેવરાજીયામાં નવિન બસ સ્ટેન્ડ, સેલ્ફી પોઈન્ટ, સાંસ્કૃતિક ઝાંખી, આર. ઓ. ફિલ્ટર પ્લાન્ટ રુમ, મહાપુરુષોની પ્રતિમા સહિતના વિકાસકાર્યોનું લોકાર્પણ
કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે આદર્શ ગામ દેવરાજીયામાં નવિન સુવિધાઓનું લોકાર્પણ
વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાના વતન દેવરાજીયા ગામ ખાતે કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે વિકાસકાર્યોનો લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો. દેવરાજીયા મુકામે રાજ્ય અને કેન્દ્ર સરકારના અનુદાન અને લોકભાગીદારીથી નિર્મિત બસ સ્ટેન્ડ, સાંસ્કૃતિક ઝાંખી ગેલેરી, સેલ્ફી પોઈન્ટ, મહાનુભાવોની પ્રતિમાઓ, સૂચિત થિયેટર હોલ, આર.ફિલ્ટર પ્લાન્ટના રુમનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ગ્રામ પંચાયતો સશક્ત બની હોવાનું જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે, ગ્રામ પંચાયતોના બેન્ક એકાઉન્ટમાં સીધી ગ્રાન્ટ જમા થતી હોવાથી પંચાયત મજબૂત બની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરપંચ ઓને નાણાપંચની ગ્રાન્ટ ફાળવીને ગામના કામો ગામમાં કરવાનો અધિકારી આપ્યો અને તેના માટે નાણાકીય જોગવાઈ પણ કરી. કેન્દ્રીય મંત્રી એ આ પ્રસંગે દેવરાજીયાના સરપંચ સગુણાબેન વેકરીયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ’સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’નું સૂત્ર દેવરાજીયાએ સાર્થક કર્યુ છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી એ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના વિવિધ મતવિસ્તારના ધારાસભ્ય ઓને પોતાના મત વિસ્તારમાં એક એક આદર્શ ગામ બને તેવું સૂચન કર્યુ હતુ. દેવરાજીયા ગામ અમરેલી-ધારી સ્ટેટ હાઈવે પર જિલ્લાના વડામથકથી 14 કિલોમીટર દૂર આવેલું છે. અહીંયા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ અને લોકભાગીદારીથી ગામમાં બાળ ક્રિડાંગણ, સ્ટ્રીટલાઈટ, ડ્રેનેજ લાઈન, સિનિયર સીટીઝન પાર્ક, આધુનિક પ્રાથમિક શાળા, આવાસ યોજના, પાણી વિતરણ. પેવર બ્લોક અને આર.સી.સી. રોડ, આધુનિક સુવિધાઓ જેવી કે કોમ્યુનિટી હોલ, જીમ, આર પ્લાન્ટ, પુસ્તકાલય, સી.સી.ટી.વી મોનિટરીંગ વગેરે દ્વારા આદર્શ ગ્રામ સ્વરુપે ગામનો વિકાસ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમના પ્રારંભે ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલિયા, લીંબડી વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, રાજકોટના દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ટંકારાના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરિયા, જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ધારી-ખાંભા-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા તેમજ અન્ય પદાધિકારી ઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.