વિશ્વભરમાં અત્યારે ખાદ્ય અને ઉર્જાનું સંકટ ફેલાયું છે. જેની નકારાત્મક અસર અનેક દેશો ઉપર અત્યારથી જ પડી રહી છે. ત્યારે બાલીમાં આવતીકાલથી શરૂ થનારી જી-20 બેઠકમાં વડાપ્રધાન ભાગ લેવા પહોંચ્યા છે. આ બેઠકમાં ખાદ્ય અને ઉર્જા સંકટના બે મુખ્ય મુદા ઉપર મહત્વની ચર્ચા થવાની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા ઇન્ડોનેશિયાના બાલી પહોંચ્યા છે. અહીં પીએમ મોદી આજથી 16 નવેમ્બર ત્રણ દિવસ સુધી બાલીમાં રહેશે. જી 20 સમિટ 15-16 નવેમ્બરના રોજ છે. લગભગ 45 કલાકના રોકાણ દરમિયાન પીએમ મોદી 20 કાર્યક્રમોમાં ભાગ લેશે. વિશ્વના ટોચના 20 દેશોના જૂથ જી 20 વડાઓની સમિટમાં હાજરી આપવા ઉપરાંત, વડા પ્રધાન 10 સહભાગી દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. જેમાં બહુપક્ષીય અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
બાલી સમિટ દરમિયાન, પીએમ મોદી અને અન્ય જી 20 નેતાઓ વૈશ્વિક અર્થતંત્ર, ઊર્જા, પર્યાવરણ, કૃષિ, આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. ક્વાત્રાએ કહ્યું કે, સમિટ દરમિયાન ત્રણ વર્કિંગ સેશન હશે, જેમાં વડાપ્રધાન ભાગ લેશે. તેમાં ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, ઇન્ડોનેશિયામાં ભારતીય રાજદૂત મનોજ કુમાર ભારતીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની ઇન્ડોનેશિયાની આ મુલાકાત ભલે ઘણી ટૂંકી છે, પરંતુ વ્યૂહાત્મક રીતે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે.
ભારત આગામી જી-20 સમિટના અધ્યક્ષ પદે રહેશે
જી 20 સંસ્થાના આગામી પ્રમુખ ભારત છે અને તેની આગામી બેઠક સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં યોજાવાની છે. આ દૃષ્ટિકોણથી પણ પીએમ મોદીની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે સમિટ ત્રણ સત્રમાં યોજાશે અને પીએમ મોદી અન્ય વૈશ્વિક નેતાઓ સાથે આ ત્રણ સત્રમાં ભાગ લેશે. કયા વૈશ્વિક નેતાઓ પીએમ મોદીને મળશે તે પૂછવા પર ક્વાત્રાએ કહ્યું કે આ અંગે સંબંધિત દેશો સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
આગામી જી-20 સમિટમાં ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલની ભૂમિકા મુખ્ય બનશે
વિદેશ સચિવે માહિતી આપી હતી કે ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલે ભારતની અધ્યક્ષતામાં યોજાનારી જી-20 સમિટ માટે નેતૃત્વ ત્રિપુટીની રચના કરી છે. તેમણે કહ્યું, જી-20ના ઈતિહાસમાં પ્રથમ વખત ત્રણ વિકાસશીલ અને ઉભરતી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ એકસાથે આવી છે. જી 20 વર્તમાન વૈશ્વિક આર્થિક સહકારની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને અર્થતંત્ર અને વિકાસની મુખ્ય આંતરરાષ્ટ્રીય બાબતોને આકાર આપવા અને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિશ્વના જીડીપીના 85 ટકા જી-20 સભ્ય દેશોમાં છે, જ્યારે વિશ્વના 75 ટકા વેપાર અને લગભગ 66 ટકા વસ્તી અહીં વસે છે.
પીએમ મોદી અને બ્રિટિશ પીએમ સુનક પ્રથમવાર મળશે
જી-20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુકેના પીએમ ઋષિ સુનક સાથે મુલાકાત કરી શકે છે. ગયા મહિને યુકેના વડા પ્રધાન બન્યા બાદ ઋષિ સુનકની મોદી સાથેની આ પહેલી મુલાકાત હશે. બાલી જતા પહેલા સુનાકે એક નિવેદનમાં કહ્યું હતું કે વ્લાદિમીર પુતિનના યુદ્ધોએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે અને જીવનનો નાશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ થઈ ગઈ છે.