જય વિરાણી, કેશોદ:
દોઢ વર્ષ જેટલા સૌથી લાંબા વેકેશન બાદ ધોરણ 1 થી 5ના વિધાર્થીઓ માટે શાળાઓના તાળાં ખૂલ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોવીડ-૧૯ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાની સાથે પ્રાથમિક ધોરણનુ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવ્યાં બાદ ગત 21મી નવેમ્બરથી શાળાઓ ખૂલી હતી ત્યારે કેશોદ શહેરમાં આજથી શાળાઓ ખૂલી છે. સ્કૂલો નાનાં નાનાં બાળકોનાં કલરવથી ગુંજી ઉઠી છે.
માત્ર નાના ભૂલકાઓ જ નહીં પણ બાળકોને શાળાએ મુકવા આવેલાં વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળા સંચાલકો દ્વારા પણ બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં શાળાનાં સંચાલકો અને શિક્ષકો દ્વારા બાળકોને થર્મલ ગનથી ચેક કરવા ઉપરાંત સેનેટાઈઝ અને માસ્ક પહેરીને આવે એવી ચોકસાઈ રાખવામાં આવી રહી છે.
જો કે આ તકે વાલીઓએ માંગ કરી છે કે બાળકોને આપવાની વેકસીન પણ જલદીથી શરૂ કરી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક ધોરણનુ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે સ્થાનિક આરોગ્ય વિભાગ અને સ્થાનિક નગરપાલિકા દ્વારા પ્રાથમિક શાળા આસપાસના વિસ્તારોમાં ચોકસાઈ રાખવામાં આવશે કે કેમ..? તેવા પ્રશ્નો પણ વાલીઓમાં ઊભા થયા છે.