એક વર્ષમાં સ્પેશિયલ ન્યુ બોર્ન કેર યુનિટ ખાતે 535 અને પીડિયાટ્રિક વોર્ડમાં 359 બાળકોને સારવાર પુરી પાડવામાં આવી

નવજાત શિશુ અને બાળકોની ઉચ્ચ કક્ષાની ગુણવત્તા સભર કેર કરતી સેવાઓ બદલ રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલને ગુજરાતમાં સૌ પ્રથમ મુસ્કાન  સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સર્ટિફિકેટ થી પ્રમાણિત કરવામાં આવી છે.

આ અંગે વિગત આપતા પદ્મકુંવરબા હોસ્પિટલ અધિક્ષક ડો. કેતન પીપળીયા એ જણાવ્યું છે કે,  ભારત  સરકારના આરોગ્ય  અને  પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત સરકારી હોસ્પિટલમાં ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે વિવિધ પેરામીટર્સ  નક્કી કરતો  મુસ્કાન પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો છે. જે મુજબ હોસ્પિટલ ખાતે બાળકોની સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ અને ગ્રોથ સંબંધી વિવિધ માપદંડ અંગે  ટીમ દ્વારા સર્વેક્ષણ  કરવામાં આવે છે,  અને તેના ગુણાંકન પરથી  હોસ્પિટલને  90% માર્ક મળેલ છે. જેના આધારે  પદ્મકુંવરબા હોસ્પિટલને આ સર્ટિફિકેટ મળેલ છે.

‘મુસ્કાન’ પ્રોજેક્ટ  સંબંધી  સારવાર ગાઈડલાઈન્સ

બાળકોની સારવાર અને કેર સંબંધી માપદંડ અંગે  વિશેષ માહિતી આપતા આર.એમ.ઓ. ડો નૂતને જણાવ્યું હતું કે, મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત હોસ્પિટલ ખાતે બાળકો માટે ચાર ભાગમાં વ્યવસ્થા ઉપર નિદર્શ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ  હોસ્પિટલ ખાતે બાળકના જન્મ સમયે જ કોઈ બીમારી દેખાય તો તેમને  એસ.એન.સી.યુ. માં દાખલ કરવામાં આવે છે. જેમાં આઇસોલેશન, વેન્ટિલેટર,  વોર્મર, ક્લીનલીનેસ, ફાયર સેફટી સહિતની  સુવિધા જરૂરી છે. બાળકને ભવિષ્યમાં કોઈ બીમારી થાય તો તે માટે અલગથી ઓ.પી.ડી. કેસ વિન્ડો, દવા બારી જરૂરી છે. બાળકોને દાખલ કરવાની જરૂર પડે તો હોસ્પિટલમાં અલગથી પીડિયાટ્રિક વોર્ડની સુવિધા, એન.આર.સી.સેન્ટર  જરૂરી છે.

IMG 20230421 WA0467

નવી માર્ગદર્શિકા મુજબ બાળકને માત્ર છ માસ નહીં પરંતુ બાળકને બે વર્ષ  સુધી માતાનું દૂધ મળી  રહે, બાળકનું તાપમાન જળવાઈ રહે, તેમજ બાળકને માતાનો સતત સ્પર્સ મળી રહે તે માટે માતાને  પ્રશિક્ષિત કરવામાં  આવે  છે. કોઈ સંજોગોમાં બીમારી સબબ બાળકને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે તો ઓક્સિજન, તેમજ જરૂરી સાધન સાથે ડોક્ટર્સની નિગરાનીમાં એમ્બ્યુલન્સમાં પહોંચાડવામાં આવે તે માટે ખાસ ગાઈડલાન પાળવાની હોઈ છે. ચોથી ગાઈડલાઈન ડોક્યુમેન્ટેશન છે. જેમાં બાળકોનો ગ્રોથ, વેક્સિનેશન વજન, ઉંચાઈ,મેન્ટલ સ્ટેટ્સનો રેકોર્ડ રાખવામાં આવતો હોવાનું ડો. નૂતન જણાવે છે.

પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે સારવાર-સુવિધાઓ

સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ ખાતે પીડિયાટ્રિશ્યન, રેસિડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ સહીત  કુલ 16 લોકો સેવારત છે. જયારે પીડિયાટ્રિક વોર્ડમાં 06, પીડિયાટ્રિક ઓ.પી.ડીમાં ડોક્ટર્સ તેમજ નર્સિંગ નો 05 વ્યક્તિનો સ્ટાફ ફરજ બજાવે  છે.સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ ખાતે એપ્રિલ – 2022 થી માર્ચ – 2023 માં 535 બાળકોને ઇમર્જન્સી સારવાર તેમજ પીડિયાટ્રિક વોર્ડમાં 359 બાળકોને સારવાર પુરી પાડવામાં  આવી છે.

આ સર્ટિફિકેટ મળતા વધારાનું ઈન્સેન્ટિવ મળશે, જે બાળકોની સારવારમાં વધારો કરશે. આગામી સમયમાં કેન્દ્ર કક્ષાએ પણ આપણને સર્ટિફિકેટ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવશે તેમ ડો. કેતન પીપળીયા જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.