કોરોના મહામારીના કપરાકાળમાંથી ઉગરવા દરેક રાષ્ટ્રની સરકારો, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વૈજ્ઞાનિકો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આગામી 16મી તારીખથી ભારતમાં રસીકરણ શરૂ થવાનું છે. જેની તૈયારીઓને લઈ કોવિશિલ્ડ રસીનો પ્રથમ જથ્થો પુણે એરપોર્ટથી દિલ્હી પહોંચ્યો હતો અને ત્યાંથી અલગ અલગ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પહોંચ્યો હતો. આ અગત્યની કામગીરીમાં રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ તરીકેનું બિરૂદ મેળવનાર કેપ્ટન નિધી અઢીયાએ ગુજરાતને વધુ એક ગૌરવ અપાવ્યું છે. તેણે પુણેથી હૈદરાબાદ માટેનો પ્રથમ કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડ્યો હતો.
નિધિ રાજકોટમાં બીપીન સોપ નામની પેઢીના સંચાલક બીપીનભાઈ અઢિયાની પુત્રી છે. બિપીનભાઈ મહાનગર પાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. નિધીના પિતાએ જણાવ્યું કે, મારી દીકરીનું હેડક્વાર્ટર દિલ્હી છે. પુનાથી હૈદરાબાદ કોરોના વેક્સિન લઇને પહોંચી હતી. પિતા તરીકે મને ગૌરવ છે, નિધી અમારૂ રત્ન છે.