ટોક્યો પેરા-ઓલિમ્પિક 2021માં ગુજરાત ગૌરવ લઈ શકે તેવા સમાચાર આવ્યા છે. ગુજરાતની ભાવિના પટેલ અને સોનલ પટેલ પેરા-ઓલિમ્પિક 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. દેશમાંથી ટોક્યો પેરા-ઓલિમ્પિક માટે ફક્ત બે ખેલાડીઓની પસંદી કરવામાં આવી છે. જેમાં ભાવિના અને સોનલ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટોક્યો પેરા-ઓલિમ્પિકમાં ભાવિના પટેલ અને સોનલ પટેલનું ટેબલ ટેનિસમાં સિલેક્શન કરવામાં આવ્યું છે. ઓલિમ્પિક્સની સિંગલ્સ ઇવેન્ટમાં પસંદગી પામનારી ભારતની પ્રથમ ક્રમે રહેલી ભાવિના પટેલ છેલ્લા 13 વર્ષથી બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં ટેબલ ટેનિસ રમી રહી છે. અત્યાર સુધીમાં તેમને 28 મેચ રમી છે. આ સાથે જ તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે 5 ગોલ્ડ, 13 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીતી ભારતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.
19મા ક્રમાંકિત પેરા-એશિયન મેડલિસ્ટ પ્લેયર સોનલ પટેલે કોચ લલન દોશીના માર્ગદર્શન હેઠળ 25 આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સ રમી છે. અને ભારત માટે 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ભાવિના અને સોનલ દિવસમાં 8 કલાક પ્રેક્ટિસ કરે છે.
ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય કે ટોક્યો પેરા-ઓલિમ્પિકમાં રાજ્યની બે ખેલાડી દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ બંને ખેલાડીને શુભેચ્છા આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની રૂબરૂ મુલાકાત લીધી હતી. CM રૂપાણીએ બંને ખેલાડીને મળી પેરા-ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડ મેડલ અપાવે તે બાબતની શુભેચ્છા પાઠવી હતી.