મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડમાં હોકી કોચ મહેશ દિવેચાએ માર્ગદર્શન આપ્યું, યુવતીઓએ રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટને ગૌરવ અપાવ્યું
રાજકોટ શહેરનું નામ ફરીથી રાષ્ટ્રીય લેવલે ગુંજયું છે.શહેરની મુસ્કાન મહોમદભાઈ કુરેશી અને ઋતુ શૈલેશભાઈ ધીંગાણી નામની યુવતીઓ રાષ્ટ્રીય લેવલે હોકીમાં અમ્પાયર તરીકે પસંદગી પામી છે. બંન્નેનું પહેલું પોસ્ટિંગ દિલ્હી ખાતે આપવામાં આવતા ખુશીની લાગણી છવાઈ છે.
નેશનલ હોકી પ્લેયર મુસ્કાન કુરેશી તેમજ ઋતુ ધીંગાણી રાજકોટ શહેરમાં મેજર ઘ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે પ્રોફેશનલ ટ્રેનિંગ માટે કોચ મહેશભાઈ દિવેચાના માર્ગદર્શન હેઠળ હોકિ રમત શીખતા હતા.શરૂઆતમાં બંને યુવતીઓ માત્ર પ્રોફેશનલ ટ્રેનિંગ લેતી અને હોકી શીખવાનો શોખ પૂરો કરતી.બંને યુવતીનું પરફોર્મન્સ જોયા પછી કોચ મહેશભાઈએ અમ્પાયરીંગ નું સજેશન આપ્યું અને બંન્નેને ટ્રેનિંગ આપી.સૌ પ્રથમ લોકલ લેવલે અમ્પાયરિગ શરૂ કરાવ્યું .
બાદમાં સ્ટેટ લેવલે એક્ઝામ અપાવી સૌ પ્રથમ અમ્પાયરીંગ રાજકોટના જ મેજરઘ્યાનચંદ હોકિ ગ્રાઉન્ડ ખાતે કરવાનો ચાન્સ મળ્યો.બાદમાં કોચ મહેશભાઈએ બંને પ્લેયર્સને નેશનલ હોકી અમ્પાયરીંગ માટે એક્ઝામ આપવા કહ્યું અને મુસ્કાન અને ઋતુ મહેનતમા લાગી ગઈ અને એક્ઝામમાં ઉત્તીર્ણ પણ થઈ.
કોરોના બાદ આજે બંન્ને યુવતીને દિલ્હી ખેલો ઇન્ડિયા ખાતે અમ્પાયરીંગ માટે પોસ્ટિંગ આપવામાં આવતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી છે.મેજર ધ્યાનચંદ હોકિ ગ્રાઉન્ડમાં ટ્રેનિંગ મેળવી મુસ્કાન અને ઋતુ નેશનલ લેવલે અમ્પાયરીંગમાં સિલેક્શન થતા રાજકોટ મહાનગર પાલિકા માટે પણ એક ગર્વની બાબત છે.
રાજકોટના ગ્રાઉન્ડ પર રાજયની પંડિત જવાહરલાલ નહેરુ જુનિયર ગર્લ્સ અને જુનિયર બોયસ ની ચેમ્પિયનશિપમાં અમ્પાયરીંગ કર્યા બાદ બંને નો જુસ્સો વધ્યો અને હિંમતભેર પોતાનું સ્વપ્ન સાકાર કરવા મહેનત ચાલુ રાખી અને આજે સફળતા પણ મળી.
રાજકોટની મુસ્કાન અને ઋતુની મહેનત અને બંને ની સફળતા જોઈને તમામ માતા પિતાને એક સંદશો પણ પાઠવવામાં આવી રહ્યો છે કે તમારા સંતાનો કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવા માગે તો તેને પૂરતો સપોર્ટ કરી યોગ્ય માર્ગદર્શન આપશો તો જરૂરથી તમારા પરિવારજનોનું નામ રોશન કરશે.
- નેશનલ લેવલે હોકીમાં અમ્પાયરીંગ મારું પહેલું પોસ્ટિંગ દિલ્હી થયું હું ખૂબ ખુશ છું: ઋતુ ધીંગાણી (નેશનલ હોકી અમ્પાયર)
છેલ્લા 9 વર્ષથી હોકિ રમત સાથે સંકળાયેલ નેશનલ પ્લેયર ઋતુ ધીંગાણીએ અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કડવીભાઈ સ્કૂલમાં સ્પોર્ટ્સ ફરજીયાત હતું જેમાં મેં હોકિ સિલેક્ટ કર્યું .બાદમાં કોલેજમાં પણ હું હોકિ રમતી.હોકિ માટે મને ઘરેથી પરિવારનો ખુબજ સહકાર મળ્યો છે.પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવવા માટે હું મેજર ઘ્યાનચંદ હોકિ ગ્રાઉન્ડ માં જોડાઈ.કોચ મહેશભાઈ નું હંમેશા માર્ગદર્શન રહ્યું છે કોઈ પણ નાના મોટી અમારી ખામીઓ હોઈ તેમણે દૂર કરાવી છે.પહેલા સ્ટેટ લેવલે સિલેક્ટ થઈને અમ્પાયરિગ કર્યું અને બાદમા નેશનલ લેવલે એક્ઝામ આપી ને અમે પાસ થયા બાદમાં મેરીટ પ્રમાણે ખેલો ઇન્ડિયામાં દિલ્હી ખાતે મારું ફર્સ્ટ પોસ્ટિંગ થયું છે .હું નેશનલ લેવલે અમ્પાયરીગ કરીશ જેનો મને ગર્વ છે હું અને મારો પરિવાર ખુબજ ખુશ છીએ.પ્રધાનમંત્રી મોદીજીનો હું ખાસ આભાર વ્યક્ત કરીશ કારણ કે તમામ સ્પોર્ટ્સ પ્લેયર્સ માટે તેમણે ખૂબ સારું કામ કર્યું છે.
- નેશનલ હોકીમાં અમ્પાયર તરીકે પસંદગી પામી બન્ને દીકરીઓએ રાજકોટને દેશ લેવલે ગર્વ અપાવ્યું: મહેશ દિવેચા (હોકી કોચ)
મહેશ દિવેચાએ અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 1988 થી મેં હોકિ રમવાની શરૂઆત કરી.રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત મેજર ધ્યાનચંદ હોકિ ગ્રાઉન્ડ પહેલા ખુબજ પડતર હાલતમાં હતું .આજે અધિકારીઓએ ખુબજ સારું ઈન્ટરનેશનલ લેવલનું આ ગ્રાઉન્ડ તૈયાર કરાવ્યૂ છે. આ ગ્રાઉન્ડ ખુબજ મોટું પ્લેટફોર્મ તમામ પ્લેયર્સને પૂરું પાડે છે. મુસ્કાન અને ઋતુ બંને માત્ર અહીં હોકિ રમવા માટે જ તેમનો શોખ પૂરો કરવા આવી હતી. તે બંને નું ટેલેન્ટ જોતા મેં તેઓને અમ્પાયરિંગ તેમજ કોચ લેવલે આગળ વધવા સૂચન કર્યું અને જરૂરી તમામ માર્ગદર્શન આપ્યું .નાના મોટી તમામ ભૂલો સુધારી.પહેલા સ્ટેટ લેવલે એક્ઝામ આપી અને બાદમાં નેશનલ લેવલે તમામ એક્ઝામ બંને દિકરીઓએ પાસ કરી.તમામ માતાપિતાને હું માત્ર એટલો જ સંદેશો આપવા માગું છું કે ભણતર ની સાથે ગણતર પણ ખૂબ જરૂરી છે માટે સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ ધરાવતા બાળકોને આગળ વધવા દો અને પૂરો સપોર્ટ કરો.
- જીંદગીમાં જો નાસીપાસ થઈ હોત તો આજે નેશનલ હોકીમાં અમ્પાયર ન બની હોત: મુસ્કાન કુરેશી (નેશનલ હોકી અમ્પાયર)
સ્કૂલ – કોલેજમાં મુસ્કાન જ્યારે અભ્યાસ કરતી ત્યારે તેને સ્પોર્ટ્સમાં હોકિ રમત પ્રત્યે લગાવ હતો.મુસ્કાને અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં આજથી 5 વર્ષ પહેલાં મેજર ધ્યાનચંદ હોકિ ગ્રાઉન્ડ ખાતે રમવાની શરૂઆત કરી.હું મુસ્લિમ છું માટે મારા પરિવારમાં શરૂઆતમાં કોઈ સપોર્ટ ન કરતું પરંતુ સમય જતાં સમગ્ર પરિવારનો ખુબ જ સાથ મળ્યો.ખાસ મમ્મી એ મને કોઈ પણ સ્થિતિમાં સપોર્ટ કર્યો છે.
પ્રોફેશનલ હોકિ શીખવાનો મને શોખ હતો માટે અહીં કોચ મહેશ દિવેચા પાસે હોકિ શીખવાની શરૂઆત કરી.શરૂઆતમાં માત્ર હું શોખ માટે હોકિ રમતી પરંતુ ધીમે ધીમે કોચે માર્ગદર્શન આપ્યું અને અમ્પાયર બનવા માટે પ્રેરણા આપી.મહેનત મેં ચાલુ રાખી.હોકિ ગ્રાઉન્ડથી મારું ઘર 8 કિલોમીટર દૂર છે.ઘરે થી તેડવા મુકવા માટે પેરેન્ટ્સ આવતા અને મારી સાથે તેમણે પણ ખૂબ સ્ટ્રગલ કર્યું છે.વર્ષ 2020 માં નેશનલ લેવલે અમ્પાયરિગ ની એક્ઝામ આપી. જેમાં પહેલા પ્રયત્ન માં નિષફળ ગયા.2021 માં ફરી એક્ઝામ આપી અને તેમાં પ્રેક્ટિકલ , વાઈવા તમામમાં પાસ થયા. મેરીટ પ્રમાણે અમ્પાયરિગનો મને ચાન્સ મળ્યો દિલ્હી ખાતે. ખેલો ઇન્ડિયામાં મારું પોસ્ટિંગ થયું છે
જેનો મને ગર્વ છે અને હું ખૂબ ખુશ છું.સ્ટેટ લેવલે પ્રથમ અમ્પાયરિગ મેં રાજકોટ શહેરમાં યોજાયેલ મેજર ધ્યાનચંદ હોકિ ગ્રાઉન્ડ ખાતે જુનિયર્સ બોયસ ગર્લ્સની ટુર્નામેન્ટ યોજાઈ હતી તેમાં કરેલ હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ સ્પોર્ટ્સ પ્લેયર્સ માટે ખેલો ઇન્ડિયાની શરૂઆત કરાવેલ અને આજે તેમાં હોકીમાં હું અમ્પાયરિગ કરીશ તે મારા પરિવાર માટે ગર્વની વાત છે.હું મારા માતા-પિતા, દાદા – દાદી તેમજ પરિવારજનો તેમજ કોચ મહેશભાઈનો આભાર વ્યક્ત કરીશ કે તેઓએ મને ખુબજ સપોર્ટ કર્યો અને સાથ આપ્યો.
- દીકરો-દીકરી એક સમાન, દીકરીને ઘરની ચાર દિવાલોમાં બંધ ન રાખો: ઋતુનો પરિવાર
પિતા શૈલીશભાઈ તેમજ માતા અનસૂયાબેહેને અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલના જમાનામાં દિકરો દિકરી એક સમાન છે.દિકરીને ઘરની ચાર દિવાલોમાં બંધ ન રાખો.સંતાનોને તેમના મનગમતાં ફિલ્ડમાં આગળ વધવા દો.ઋતુ ને હોકિ રમતમાં આગળ વધવું હતું માટે અમે તેને પુરતો સપોર્ટ કર્યો. આજે દિલ્હી ખાતે હોકીમાં નેશનલ લેવલે અમ્પાયરીંગમાં સિલેક્શન થતા અમે ગર્વ અનુભવીએ છીએ અને ખૂબ ખુશ છીએ કે આજે અમારી દિકરીએ રાજકોટનું નામ, અમારા પરિવારનું નામ રાષ્ટ્રીય લેવલે ચમકાવ્યું અને અમારા પરિવારની આબરૂ વધારી.કોચ મહેશભાઈએ ખૂબ સાથ આપ્યો અને યોગ્ય માર્ગદર્શન આપ્યું જેને કારણે આજે નેશનલ લેવલે દિકરીનું સિલેક્શન થયું છે.
- દીકરી પર વિશ્ર્વાસ રાખી ખુલ્લા આસમાનમાં ઉડવા દો,તમામ સહકાર આપો: મુસ્કાનનો પરિવાર
નેશનલ હોકિ અમ્પાયર મુસ્કાન કુરેશીના માતા રેશ્માબેન, પિતા મહોમદ મુનાફ તેમજ દાદા ઈસ્માઈલભાઈએ અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભણવામાં મુસ્કાન ખુબજ હોશિયાર હતી.તેને સ્પોર્ટ્સમાં રસ લાગતા તેને અમે સ્પોર્ટ્સમાં આગળ વધારી. હોકિ રમવું તેને બહુ ગમતું. કોચ મહેશભાઈએ ખૂબ સપોર્ટ કર્યો છે.મુસ્કાનના માતા રેશ્માબહેને કહ્યું હતું કે મારું સ્વપ્ન હતું કે જુડો કરાટે માં આગળ વધુ પરંતુ મર્યાદાઓને કારણે આગળ ન વધી શકી .આજે મારું સ્વપ્ન મારી દિકરી મુસ્કાને પુરૂ કર્યું છે.નેશનલ લેવલે હોકીમાં તે અમ્પાયર બની તે અમારા પરિવાર માટે ગૌરવની વાત છે.દાદાએ જણાવ્યું હતું કે દરેક કેમ્પમાં અમે તેને એકલી જવા દીધી છે.તમામ સગવડતા અમે તેને આપી છે.દાદીની સેવા મુસ્કાન ખૂબ કરે છે જેના આશીર્વાદ તેને ફળ્યા છે.મુસ્કાનના પરિવારે વધુમાં જણાવ્યું હતું કે દિકરીને ખુલ્લા આસમાનમાં આગળ વધવા દો. પૂરતો સપોર્ટ કરો અને વિશ્વાસ કેળવો. દિકરી પરિવારનું નામ જરુરથી રોશન કરશે.