કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ શરત કમલ, જી સાથિયાન, હરમીત દેસાઈ અને સાનિલ શેટ્ટીની ટીમે સિંગાપોરને 3-1થી હરાવી ઇતિહાસ રચ્યો

અબતક, નવી દિલ્હી

કોમનવેલ્થ ગેમ્સ-2022માં ગુજરાતનું હિર ઝળકયું છે. ભારતીય મેન્સ ટીમે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગર્વ અપાવ્યો છે. ગુજરાત માટે આ બેવડા ગર્વની વાત છે કેમ કે આ ગોલ્ડ મેડલ અપાવવામાં સુરતના સ્ટાર ખેલાડી હરમીત દેસાઈની ભૂમિકા અત્યંત મહત્વની રહી હતી. ગઈકાલે સિંગાપોર સામે રમાયેલી ફાઈનલમાં નિર્ણાયક સિંગલ્સ મુકાબલામાં હરમીત દેસાઈએ લાજવાબ પ્રદર્શન કરીને ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.

Screenshot 1 8

વિશ્વમાં 121મો ક્રમાંક ધરાવતા હરમીતે ત્રીજી અને મહત્વની સિંગલ્સમાં ઝે યુ ક્લારેન્સ ચ્યુને 11-8, 11-5, 11-6થી પરાજય આપ્યો હતો. આ સાથે જ હરમીતે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતીય મેન્સ ટીમનો ત્રીજો ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કર્યો હતો. 2002માં માન્ચેસ્ટરમાં ટેબલ ટેનિસની રમતને સામેલ કરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધી ભારતનો આ સાતમો મેડલ છે. ભારતીય ટીમમાં અનુભવી ખેલાડી શરત કમલ, જી સાથિયાન, હરમીત દેસાઈ અને સાનિલ શેટ્ટી હતો. ભારતીય ટીમ સિંગાપોરને પરાજય આપશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી પરંતુ ક્લારેન્સે અદ્દભુત લડત આપી હતી અને ભારતના અનુભવી શરત કમલ સામેની પ્રથમ સિંગલ્સ જીતીને મેચ 1-1થી ડ્રો કરાવી હતી. તે પહેલા પ્રથમ ડબલ્સમાં ભારતે વિજય નોંધાવીને 1-0ની સરસાઈ નોંધાવી હતી. શરત કમલના પરાજય બાદ હરમીત અને સાથિયાનની જોડી ડબલ્સની મેચ માટે મેદાનમાં ઉતરી હતી. આ મુકાબલો પણ પડકારજનક રહ્યો હતો પરંતુ હરમીત અને સાથિયાનની જોડીએ યંગ ઈઝાક ક્યુ અને યેન એન કોએન પેંગની જોડીને પરાજય આપ્યો હતો.

બાદમાં સાથિયાને દમદાર પ્રદર્શન કીને પેંગ સામે 12-10, 7-11, 11-7, 11-4થી વિજય નોંધાવીને ભારતને 2-1ની સરસાઈ અપાવી હતી. જોકે, સૌથી અદ્દભુત પ્રદર્શન હરમીત દેસાઈનું રહ્યું હતું. ક્લારેન્સ સામે અનુભવી ખેલાડી શરત કમલને પણ સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ હરમીતે તેના સામે પાવરફૂલ પ્રદર્શન કર્યું હતું. તેના ફોરહેન્ડ અને બેકહેન્ડ શાનદાર રહ્યા હતા. જેટલી પણ લાંબી રેલી થઈ હતી તેમાંથી મોટા ભાગની હરમીતે પોતાના નામે કરી હતી.

સોમવારે ભારતે મજબૂત પ્રતિસ્પર્ધી નાઈજિરિયાને પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. શરત કમલે વિશ્વમાં 15મો ક્રમાંક ધરાવતા અરૂણા કાદરીને હરાવ્યો હતો પરંતુ મંગળવારે ઘણો નીચો રેન્ક ધરાવતા ખેલાડી સામે તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પોતાનો પ્રથમ ટીમ ગોલ્ડ મેડલ 2006માં મેલબોર્નમાં જીત્યો હતો. ત્યારબાદ 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગેમ્સ ઈતિહાસમાં શરત કમલનો આ 10મો મેડલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.