કોરોના કાળમાં અમુક હોસ્પિટલો જાણે મળદા પર ગીધડા ત્રાટકે તેવી રીતે નાણાં રળવા નિકળી પડી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે આવી હોસ્પિટલોને આડે હાથ લીધી છે. સુપ્રીમે કહ્યું છે કે, હોસ્પિટલો દિન પ્રતિદિન નાણાં કમાવવાનું સાધન બની રહી છે. હોસ્પિટલો જાણે ઉદ્યોગોની વ્યાખ્યામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. કોરોના કાળમાં જે રીતે આડેધડ ચાર્જ વસુલવામાં આવ્યો હતો તેને ધ્યાનમાં રાખીને હવે આગામી દિવસમાં હોસ્પિટલોમાં ટ્રીટમેન્ટ આધારિત ચાર્જ નક્કી કરીને ભાવ બાંધણું કરવામાં આવે તો નવાઈ નહીં.
એક ચુકાદમાં સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું કે હોસ્પિટલો પૈસા કમાવવાનું સાધન બની છે. લોકોના જીવનના ભોગે અમે હોસ્પિટલોને સમૃદ્ધ નહીં થવા દઈએ.
કોરોના કાળમાં હોસ્પિટલોની પૈસા લેવાની દાનત પર સુપ્રીમ કોર્ટે ખૂબ ગુસ્સે ભરાઈ છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એમઆર શાહની પીઠે જણાવ્યું કે, હોસ્પિટલો મોટી ઉદ્યોગ બની ગઈ છે અને આ બધુ માણસનું જીવન જોખમમાં કરાઈ રહ્યું છે. અમે હોસ્પિટલોને લોકોના જીવનના ભોગે સમૃદ્ધ થવા નહીં દઈએ. આવી હોસ્પિટલોને તાળા મારી દેવા જોઈએ.
હોસ્પિટલોમાં આગ લાગવાના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમની ખંડપીઠે આવી ઉગ્ર ટકોર કરી હતી. પીઠે કહ્યું કે એક દર્દી સાજો થઈ ગયો હતો અને તેને રજા મળવાની હતી પરંતુ આગ લાગવાને કારણે તેનુ મોત થઈ ગયું. અને બે નર્સ પણ જીવતા સળગી ગઈ. હોસ્પિટલ એક રિયલ એસ્ટેટ ઉદ્યોગ બની ગઈ છે અને સંકટમાં આવેલા લોકોને મદદ કરવાને બદલે તે પૈસા કમાવવાનું મશીન બની છે.
સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું કે હોસ્પિટલો હવે તેમનું મૂળ કામ ભૂલીને ઉદ્યોગ બની છે, પૈસા કમાવવાનું સાધન બની છે. હોસ્પિટલમાં અગ્નિ સુરક્ષા પરના એક પંચના રિપોર્ટને સીલબંધ કવરમાં રજૂ કરવાના મુદ્દે પણ સુપ્રીમ કોર્ટે નારાજગી દેખાડી. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે મહોરબંધ કવરમાં પંચનો આ કયો રિપોર્ટ છે. શું આ કોઈ પરમાણુ રહસ્ય છે કે આ બંધ કવરમાં પૂરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે.
સુપ્રીમે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મુદ્દે સુનાવણી કરતા કહ્યું હતું કે, એકવાર કોર્ટ આદેશ કરે તો રાજ્ય સરકાર આદેશની અવગણના ન કરે. જસ્ટિસ ચંદ્રચુડ અને શાહની ખંડપીઠે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડની તપાસનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો. સુપ્રીમ કોર્ટે તીખી ટિપ્પણી કરતા કહ્યું કે આ કોઇ દેશની પરમાણુ સુરક્ષાનો મામલો નથી કે આટલી બધી ગુપ્તતા જાળવવામાં આવે છે… સુપ્રીમે પૂછ્યું કે સરકારે પરમાણુ સુરક્ષાના ગુપ્ત રિપોર્ટની જેમ શા માટે રિપોર્ટ સોંપ્યો. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગને કારણે ૬ લોકોના મોત નિપજ્યા હતા.
સુનાવણી દરમ્યાન જસ્ટિસ ચંદ્રચુડે જણાવ્યું કે, હોસ્પિટલ એ સેવાની જગ્યા નથી રહી પરંતુ લોકોની તકલીફમાંથી કમાણી કરવાનો મોટો ઉદ્યોગ બની ગઇ છે. પરંતુ આપણે તેને જિંદગીની કિંમત પર સમૃદ્ધ ન કરી શકીએ, આવી હોસ્પિટલો બંધ થવી જોઇએ. સુપ્રીમે આકરા શબ્દોમાં ફટકાર લગાવતા કહ્યું કે રાજ્ય સરકાર હોસ્પિટલોને બચાવવા માંગે છે એવી છાપ ઉભી ન કરે… સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ડિસેમ્બર બાદ ફાયર સેફ્ટિ મુદ્દે લેવાયેલા પગલાંઓની પૂરી જાણકારી આપવાનો આદેશ આપ્યો છે. સમગ્ર મામલાની સુનાવણી ૨ સપ્તાહ બાદ થશે.
બ્લેકલિસ્ટેડ હોસ્પિટલોએ કોરોના દરમિયાન વીમા ધારકોને ચુકવણું પરત કરવું પડશે!!
ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે બ્લેકલિસ્ટેડ હોસ્પિટલમાં સારવાર લેનારા ગ્રાહકને થયેલો ખર્ચો ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યો છે. એક વિમાધારકે જ્યારે ક્લેમ માટે ફાઈલ મૂકી ત્યારે વીમા કંપનીએ હોસ્પિટલ જુલાઈ ૨૦૧૦થી બ્લેક લિસ્ટેડ હોવાનું જણાવી તેમનો દાવો ફગાવી દીધો હતો. વીમા કંપનીના નિર્ણય વિરુદ્ધ જગદીશ ટંડેલે નવસારી જિલ્લા ગ્રાહક અદાલતમાં અપીલ કરી હતી પરંતુ ત્યાં ચુકાદો તેમની વિરુદ્ધમાં આવ્યો હતો.
જોકે, તેમણે તેના વિરુદ્ધ રાજ્ય સ્તરના ગ્રાહક પંચમાં અપીલ કરી હતી, જ્યાં તેમના વકીલ એમ.કે. દુધિયાએ દલીલ કરી હતી કે તેમના અસીલ ૨૦૦૯થી વીમો ધરાવે છે, અને તે વખતે બ્લેકલિસ્ટેડ હોસ્પિટલોની કોઈ યાદી કંપનીએ પ્રસિદ્ધ નહોતી કરી. આ દલીલને કમિશને ગ્રાહ્ય રાખતા જણાવ્યું હતું કે હોસ્પિટલ બ્લેક લિસ્ટેડ છે તેવું વીમાધારકની જાણકારીમાં નહોતું જેથી વીમા કંપની તેમની પોલિસી મુજબ તેમને સારવારનો ખર્ચ ચૂકતે કરવા માટે બંધાયેલી છે. કમિશને નવસારી જિલ્લા ફોરમના નિર્ણયને પણ રદબાતલ ઠરાવી વીમા કંપનીને પોલિસી ધારકને થયેલો ખર્ચ ડિસેમ્બર ૨૦૧૫થી સાત ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા માટે આદેશ કર્યો હતો.