રીંગણા, દુધી, કોબીજ, મેથી, પાલક, મરચા રૂ.૧૫ થી ૨૦ પ્રતિ કિલો: હજુ આવક વધવાથી ભાવો તળિયે જવાની શકયતા
શિયાળાના આગમનને પગલે બજારમાં શાકભાજીની પણ પુષ્કળ આવક થવા પામી છે. તમામ યાર્ડો શિયાળુ શાકભાજીથી છલકાયા છે. ખાસ કરીને રીંગણા,દુધી, કોબીજ, મેથી, પાલક મરચા, લીંબુ, કોથમીર, કાકડી સહિત શાકભાજીનાં ભાવો ઘટયા છે. તમામ શાકભાજીની આવક થવા લાગતા ગૃહિણીઓની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. એક બે મહિના અગાઉ શાકભાજીનાં ભાવો આસમાને પહોચ્યા હતા. અતિવૃષ્ટિને પગલે ધરખમ ભાવ વધારો થયો હતો.
પરંતુ હવે શિયાળાનું આગમન અને શાકભાજીને અનુકુળ વાતાવરણ હોય ભરપૂર આવક થતા શાકભાજીનાં ભાવો ઘણા ઘટયા છે. અને હજુ આગામી ૧૫ દિવસ આવક વધુ રહેવાની હોય ભાવો હજુ તળિયે જવાની શકયતા છે. તમામ લીલાછમ શાકભાજીની આવક આસપાસનાં ગ્રામ્ય વિસ્તારેમાંથી થઈ રહી છે. માત્ર ટમેટા અને બટેટા બહારથી મંગાવવામાં આવે છે. ટમેટા બેંગ્લોરથી તો બટેટાની આવક ડિસાથી થઈ રહી છે.
રીંગણા,દુધી, કોબીજ, મેથી, પાલક, મરચા, કાકડી સહિતનું શાકભાજી પ્રતિકિલો રૂ.૧૫ થી ૨૦માં વેચાઈ રહ્યું છે. ઉપરાંત વાલોર, ગુવાર, ભીંડો, ફલાવર, તુરીયા, ચોરી, મરચી, આદુ, લીંબુ, લીલી ડુંગળી, મુળા, ટીંડોરા, ગાજર, બીટ વગેરેની ભરપૂર માત્રામાં આવક થઈ રહી છે.