આમ લોકો માટે આમ મોંઘા બની જશે
ગીરમાં કેસર કેરીને માવઠા અને કરાથી નુકસાન, હાલ કેસર કેરીનો ભાવ 150 પ્રતિ કિલો આસપાસ, હવે નવો ફાલ એપ્રિલના મધ્યમાં ઉતરે તેવી શક્યતા, ઊંચા ભાવ યથાવત જ રહે તેવી સંભાવના
અબાલથી લઈ વૃદ્ધો સુધી સૌની લોકપ્રિય એવી કેસર કેરી આ વખતે અમીરો પૂરતી જ સીમિત રહે તેવી શક્યતા સેવાઇ રહી છે. કારણકે માવઠાથી કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે. હાલ જે પેલો ફાલ આવ્યો છે. જેના રૂ. 150 પ્રતિ કિલો ભાવ બોલાઈ રહ્યા છે. આ ઉંચા ભાવ આખી સિઝનમાં યથાવત રહે તેવી શક્યતા સેવાઇ રહી છે. સૌરાષ્ટ્રભરમાં માવઠાનો કહેર ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યો છે. ખાસ કરીને ગીર વિસ્તારમાં માવઠા સાથે કરા પડ્યા તેમાં કેરીના પાકને 25 ટકા જેટલું નુકસાન પહોંચ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ હાલ માર્કેટમાં કેસર કેરીનું આગમન શરૂ થઈ ગયું છે.જો કે આ પહેલો ફાલ છે. જે માર્કેટમાં આવી ગયો છે. આ કેરીનો ભાવ રૂ. 150 પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે.
કેસર કેરીના બગીચાવાળાઓ જણાવી રહ્યા છે કે બીજો ફાલ હવે છેક એપ્રિલના મધ્યમાં આવશે. ઉપરાંત ત્રીજો ફાલ તો ખૂબ મોડો આવશે. જેને પરિણામે કેરીના ભાવ ઉંચા જ રહેશે. આ વખતે સામાન્ય માણસોને કેરી મોંઘી બની રહેશે. ભાવ નીચા આવવાની શક્યતા નહીવત રહેશે.
આંબામાં મધિયા રોગનું પ્રમાણ ખૂબ વધ્યું, કેરીને વ્યાપક નુકસાન
હાલ ગીરમાં કેરીમાં મધિયા રોગનું પ્રમાણ વધ્યું છે. મધિયા રોગને કારણે જે ખાખડી કેરી હોય તે ખરવા લાગે છે. આ ખાખડી કેરી એટલે મધ્યમ કદની કેરી. આ ખાખડી કેરી પુરી રીતે પાકી હોતી નથી. જ્યારે આ મધિયો રોગ આ કેરીને લાગે છે ત્યારે કેરી પર મધ જેવો પદાર્થ બાઝવા લાગે છે. આ મધ જેવા પદાર્થને કારણે ખાખડી કેરીની વૃદ્ધિ થતી નથી અને વૃદ્ધિ અટકી જવાને કારણે તે મૂળમાંથી સંકોચન પામવા લાગે છે અને સુકવા લાગે છે. મધિયો રોગ લાગુ થાય તેના ટૂંક સમયમાં આ કેરી ખરવા લાગે છે.છેલ્લા દસ વર્ષમાં આ મધિયા રોગને કારણે અનેક આંબાની કેરીઓ સુકવા લાગી છે અને ખરવા લાગી છે.
માવઠાને કારણે 20 થી 25% કેરી ફેઈલ
ગીરમાં કુરેશીબાગ ધરાવતા ગફારભાઈ કુરેશીએ અબતકને જણાવ્યું કે ગીરના જ્યાં જ્યાં માવઠું અને કરા પડ્યા છે ત્યાં 20થી 25 ટકા કેરીનો પાક ફેઈલ ગયો છે. હાલ તો માર્કેટમાં પહેલો ફાલ જ આવ્યો છે. વધુમાં ગરમીના કારણે તથા વાતાવરણના ફેરફારને કારણે આ વખતે અંદાજે 4 જેટલા ફાલ ઉતરશે. જેમાં પહેલા અને બીજા ફાલની જ કેરીઓ ખાવા લાયક હશે.
જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની 100થી 150 પેટીની આવક
ગુજરાતના બજારોમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઇ ગઇ છે. યાર્ડમાં પહેલા દિવસે 100થી 150 પેટીની આવક થઇ છે. બીજી બાજુ, ખેડૂતોને કેસર કેરીના સારા ભાવ પણ મળી રહ્યા છે.જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઇ ગઇ છે. યાર્ડમાં પહેલા દિવસે 100થી 150 પેટીની આવક થઇ છે. 10 કિલોના 1000થી 1500 રૂપિયાના ભાવ બોલાયા છે. વાતાવરણ પલટાને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. જ્યારે હજુ આવતા દિવસોમાં કેરીની આવક વધી શકે છેફળોના સ્વાદ પ્રેમીઓ જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તેવી મીઠી કેસર કેરીનું આગમન થવા પામ્યું છે.