પેરાસિટામોલ અને કેફીનની કિંમત 2.88 રૂપિયા પ્રતિ ટેબ્લેટ નક્કી કરાઈ: રોસુવાસ્ટેટિન એસ્પિરિન અને ક્લોપિડોગ્રેલ કેપ્સુલની કિંમત 13.91 રૂપિયા
દવાઓની કિંમત નક્કી કરવા સંબંધિત નિયામક એનપીપીએએ ડાયાબિટીસ, માથાનો દુ:ખાવો અને હાઈ બ્લડ પ્રેશરની સારવારમાં ઉપયોગી 84 દવાઓ માટે છૂટક કિંમતો નક્કી કરી છે. એનપીપીએએ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સના વધી ગયેલા સ્તરને ઓછા કરવા માટે ફોમ્ર્યુલેશનની કિંમતો નક્કી કરી છે.
નિયામકે એક સૂચનામાં જણાવ્યું કે દવા (મૂલ્ય નિયંત્રણ) આદેશ, 2013 તરફથી મળેલી શક્તિઓનો ઉપયોગ કરતા એનપીપીએએ દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે. આદેશ અનુસાર, વોગ્લિબોસ અને (એસઆર) મેટફોર્મિન હાઈડ્રોક્લોરાઈડની એક ટેબ્લેટની કિંમત જીએસટી સિવાય 10.47 રૂપિયા હશે. આ પ્રકારે પેરાસિટામોલ અને કેફીનની કિંમત 2.88 રૂપિયા પ્રતિ ટેબ્લેટ નક્કી કરવામાં આવી છે. આ સિવાય રોસુવાસ્ટેટિન એસ્પિરિન અને ક્લોપિડોગ્રેલ કેપ્સુલની કિંમત 13.91 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એક અલગ સૂચનામાં કહ્યું કે લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન ઈન્હેલેશન (શ્વાસ લેવાની પ્રક્રિયા) (ઔષધીય ગેસ)ની ફરી નક્કી કરાયેલી મહત્તમ કિંમત તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારાઈ છે.