રાજકોટ રેસકોર્સ મેદાનના બે ભાગ, સાધુ વાસવાણી રોડ પરનો પ્લોટ અને અમિન માર્ગ કોર્નર પરના પ્લોટ માટે અપસેટ કિંમત કરતા નજીવા વધુ ભાવે ઓફર: નાનામવા સર્કલના પ્લોટ માટે માત્ર પૂછપરછ
નવરાત્રિ મહોત્સવ માટે અલગ-અલગ આઠ મેદાનો ભાડે આપવા માટે કોર્પોરેશન દ્વારા ભાવ મંગાવવામાં આવ્યા હતા. જેમાં નિયત સમય મર્યાદામાં આઠમાંથી માત્ર ચાર મેદાનો ભાડે રાખવા માટે ભાવ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના થકી કોર્પોરેશનને માત્ર રૂ.30.10 લાખની આવક થાય તેવી સંભાવના જણાઇ રહી છે. રેસકોર્ષ મેદાન ભાગ-એ ના 11,430 ચો.મી.ના પ્લોટની અપસેટ ભાડું રૂપિયા 6 નિયત કરવામાં આવ્યું હતું. જેમાં કોઇ વધુ ઓફર આવી નથી. આ પ્લોટ નવરાત્રિ મહોત્સવ માટે ભાડે આપવાથી રૂ.10.68 લાખની આવક થવાનો અંદાજ છે.
જ્યારે ભાગ-બીના 11,425 ચો.મી.ના પ્લોટ માટે પણ અપસેટ ભાડા મુજબ જ ભાવ આવ્યા છે. જેના થકી કોર્પોરેશન રૂ.10.67 લાખની આવકનો અંદાજ છે. સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ સામેનો 5,388 ચો.મી.નો પ્લોટનું પ્રતિ ચોરસ મીટર અપસેટ ભાડું રૂ.6 નિયત કરવામાં આવ્યું હતું. જેમાં અપસેટ ભાડા કરતા માત્ર 5 પૈસા વધુ ભાવ આવ્યા છે. આ પ્લોટ ભાડે આપવાથી રૂ.5.07 લાખની આવક થશે. જ્યારે અમિન માર્ગ કોર્નર પર જેડબલ્યૂ સામેનો 4,669 ચો.મી.નો પ્લોટ કે જેનું અપસેટ ભાડું 5 રૂપિયા નિયત કરવામાં આવ્યું હતું. જેની સામે માત્ર 5.05 રૂપિયા ઓફર આવી છે.
જેના થકી રૂ.3.67 લાખની આવક થશે. ગત વર્ષે ચાર પ્લોટ ભાડે આપવાથી રૂ.37.53 લાખની આવક થવા પામી હતી. જેની સામે આ વખતે માત્ર 30.10 લાખની આવક થવા પામી છે. આ ઉપરાંત નાનામવા સર્કલ પાસેના પ્લોટ પર નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવા માટે ભાડે રાખવા માટે પૂછપરછ ચાલી રહી છે.