ત્રણ હજારથી વધુ છાપાના લેખોના કટીંગ અને બે હજારથી વધુ મેગેઝિનોના સંગ્રહ સાથે તેમનું ઘર પુસ્તકાલય જેવું; અત્યાર સુધી બે હજાર સેલિબ્રીટીને મળી ચૂકયા
એક સારૂ પુસ્તક શ્રેષ્ઠ મિત્રની ગરજ સારે છે. સારૂ વાંચન સારા વિચારો આપે છે, જ્ઞાનમાં વધારો કરે છે. રાજકોટમાં નવલનગર-૩માં રહેતા કાંતિભાઈ વાડોલીયા કારખાનામાં મજૂરી કામ કરે છે. સતત પુરૂષાર્થની સાથે તેનો નિરાળો શોખ છે.વાંચનનો અને સુંદર લેખોનો સંગ્રહ કરવાનો.
કાંતિભાઈના નાનકડા ઘરમાં તમે જોવો તો કોઈ પુસ્તકાલય હોય એવું લાગે છે. જૂના સંસ્મરણો, ફોટા, લેખો વિગેરેનું તેમનું સુંદર કલેકશન છે. ૪૬ વર્ષિય આ વાંચન પ્રેમી પાસે ત્રણ હજારથી વધુ છાપાના લેખોના કટીંગ સાથે વિવિધ બે હજાર જેટલા મેગેઝિનોનો સંગ્રહ છે. તેઓ કામેથી આવીને સતત વાંચન કરે અને જુદાજુદા લેખકો, કોલમીસ્ટને મળે ગમે તેનો વ્યકિત લેખ આવ્યો હોય તો કાંતિભાઈ પાસેથી કટીંગ તમને અચુક જોવા મળે છે.
માત્ર ૭ ધો. પાસ કાંતિ વાડોલીયાને વાંચન અને સારી બાબતોનાં લેખ એકત્ર કરવાનો શોખ જાગ્યો. આજે તો ઘણી સેલીબ્રીટી માટે અમૂલ્ય સંસ્મરણોના ખજાનો બની ગયો. પતી-પત્ની બે બાળકો-મા-બાપ ભાઈ સાથેના સંયુકત પરિવારમાં રહેતા અને ઓછી આવક ધરાવતા કાંતિભાઈ કહે છે કે સમય મળે ત્યારે મનગમતું વાંચવા બેસી જાવ છું સાતથી આઠ હજારનાં માસિક પગારમાં કુટુંબ નિર્વાહ કરતા કરતા મહિને પાંચસો રૂપિયાના મેગેઝીનો ખરીદે છે.
કાંતિભાઈ વાડોલિયાના ખજાનામાં સેલીબ્રિટી, સંતો-મહંતો, સામાજીક કાર્યકરો , ફિલ્મ સ્ટાર, ઉદ્યોગપતિઓ વિગેરેના અખબારોમાં છપાયેલા ઈન્ટરવ્યુંનું બહોળુ કલેકશન છે. લગભગ તમામ સેવકો મુઠી ઉચેરૂ યોગદાન આપ્યું હોય તેવા તમામનું કલેકશન છે.
દોઢ દાયકા પહેલા અનાયસે આવો સંગ્રહ કરવાનો શોખ જાગ્યો જે આજ સુધી ચાલુ છે. બજારમાં નવા મેગેઝિનો લેવા પરવડે નહી તેથી થોડા સમય બાદ અડધી કિંમતે ખરીદે છે. તેમની આવી નોખી અનોખી લાયબ્રેરી વિશે જાણીને સૌ કોઈ દંગ રહી જાય.
લોકડાઉનમાં કાંતિભાઈ ‘ફુલ ડે’ તેમનો વાંચનનો શોખ પૂર્ણ કરીને આનંદથી દિવસો પસાર કરે છે
ઓછુ ભણેલા પણ કરન્ટ અર્ફેસ -જનરલ નોલેજમાં કાંતિભાઈ અવ્વલ કક્ષાનું જ્ઞાન ધરાવે છે. ગમે તે સેલિબ્રીટી રાજકોટ આવે ત્યારે તેમના કટીંગમાં તેના હસ્તાક્ષર કરીને તેઓ પોતાના સંગ્રહમાં વધારો કરે છે. શ્રેષ્ઠ કક્ષાના બસોથી વધુ પુસ્તકો પણ તેના ‘ઘર’ની શોભા વધારે છે.
ઓછી આવકમાં આવો શોખ સુંદર મેનેજમેન્ટ સમય વિગેરે સાથે તાલમેલ મિલાવીને કાંતિભાઈ પૂરો કરી રહ્યા છે, ત્યારે તેમની ભણતર વગરની ‘ગણતર’ ની સરાહના કરવી પડે.