એક મરણિયો ધિંગાણે ચડ્યો કાદુ સૌ ને ભારે પડે! કાઠિયાવાડનાં કાદુની જગ્યાએ ચરોતરનાં મુકેશનું નામ રાખો અને ધિંગાણાની જગ્યાઐ કોમ્યુનિકેશન રાખો એટલે ૨૧ મી સદીનો નવો દુહો બને..! છેલ્લા ત્રણ વર્ષમાં મુકેશ અંબાણીએ કોમ્યુનિકેશનના બિઝનેસમાં જીઓ લોન્ચ કરીને જે ધિંગાણા શરૂ કર્યા છે. તેનાથી કેટલીયે કંપનીઓને દુકાનો બંધ કરવી પડી છે. છેલ્લી AGM માં જહેરાત કર્યા પ્રમાણે હવે રિલાયન્સનો JIO ફાયબર પ્લાન બજારમાં રજૂ થઇ ગયો છે.  જેની સામે સ્પર્ધામાં ટકી રહેવા માટે BSNL,Airtel તથા Vodafone-IDEA જેવી કંપનીઓને પણ પોતાના ભાવ તોડવા પડ્યા છે. આમછતાં પણ આ કંપનીઓ કેટલું ટકશે તે કહેવું મુશ્કેલ છે.

વિવિધ ઓપરેટરોનાં ભાવ જોએ તો જણાય છેકે JIO નો પ્લાન ગ્રાહક માટે ૩૫ થી ૪૫ ટકા જેટલો સસ્તો છે. આ ઉપરાંત હાઇરેન્જ પેકેજમાં એન્ટ્રી કરનારા ગ્રાહકને ફ્રી ટેલિવિઝન જેવી લોભામણી ઓફરો આપવામાં આવી છે. બજારમાં આવતાની સાથે જ ફ્રી આઉટ ગોઇંગ ઓફર સાથે જીઓએ સૌને જાણે મારી નાખ્યા હતા.  આજે મોબાઇલ સેગ્મેન્ટમાં જીઓ પાસે વિશેષ ગ્રાહક નેટવર્ક છે. હવે ૧૦૦ MBPS થી ૧ GBPS ના વિવિધ પ્લાન સાથે જીઓ શરૂઆતમાં ૧.૫૦ કરોડ એપ્લીકેશન આવી હોવાનો અને કંપની બે કરોડ હોમ કસ્ટમર તથા ૧.૫ કરોડ બિઝનેસ કસ્ટમરનો પ્રાથમિ ટાર્ગેટ ધરાવતી હોવાનો દાવો કરાયો છે. દેશના ૧૬૦૦ શહેરોમાં જીઓનુ નેટવર્ક તૈયાર છે.

બ્રોડબેન્ડ કસ્ટમરની જ વાત કરીએ તો હાલમાં BSNL પાસે ૯૦ લાખ ગ્રાહકો છે. એરટેલ પાસે ૨૪ લાખ, અટ્રીયા પાસે ૧૪ લાખ, તથા હેથ-વે તથા ડેટાકોમ કે જે હવે રિલાયન્સની માલિકીના છે તેમના ૮૪૦૦૦૦ ગ્રાહકો છે. જ્યારે એમ.ટી.એન.એલ ૭૪૦૦૦૦ ગ્રાહકો છે.  જીઓ પાછળ મુકેશ અંબાણી ૩.૫ લાખ કરોડ રૂપિયાનું આંધણ કરી ચુક્યા છે.  ૪G સેવા તથા એકદમ સ્પર્ધાત્મક ભાવનાં કારણે આજે જીઓ મોબાઇલ ધારકોમાં પ્રથમ સ્થાને છે. હાલમાં ભારતમાં સરેરાશ ફિક્સલાઇન બ્રોડબેન્ડની સ્પીડ ૨૫ MBPS હોય છે. અમેરિકા જેવા વિકસીત દેશમાં પણ ૯૦ MBPS ની સ્પીડ આપે છે. જ્યારે JIO ૧૦૦% ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ  સાથે ૧૦૦ MBPSની સ્પીડ ઓફર કરશે સાથે જ JIO ૧ GBPS સુધીની મહત્તમ સ્પીડ પણ ઓફર કરશે. જેના કારણે ભારત વિશ્વમાં ટોપ-૫ બ્રોડબેન્ડ દેશોમાં સ્થાન પામશે.  આને તમે અત્યારથી જ ૫G અને ૭G ની તૈયારી કહી શકો.

બેશક JIO ની માસિક ૬૯૯ રૂપિયાના પેકેજ સામે એરટેલ ફાઇબરની ૭૯૯ રૂપિયાની ઓફર આવી છે. જોકે તેની સ્પીડ ૪૦ MBPS ની છે. આ ઉપરાંત વાર્ષિક સબસ્ક્રીપ્શન માટે JIO TV તથા સેટટોપ બોક્સ ફ્રી જેવી ઓફરો આપે છે. સામે JIO નાં શરૂઆતમાં ૧૦૦૦ રૂપિયા ઇન્સટોલેશન ચાર્જ તથા ૧૫૦૦ રૂપિયા ડિપોઝીટનાં ભરવા પડે છે.

આમ તો હાલમાં JIO સામે એરટેલની સ્પર્ધા વધારે છે. એટલે જ બેઝીક સામે બેઝીક પ્લાન તો એરટેલનાં એન્ટરટેનમેન્ટ સામે JIO નો સિલ્વર પ્લાન આવ્યો છે. આ ઉપરાંત પ્રિમીયમ સામે ગોલ્ડ તથા VIP સામે ડાયમન્ડ જેવા પ્લાન ઓફર કરાયા છે.

આ તો હજુ શરૂઆત છે. રિલાયન્સને હાલમાં રોકડા રૂપિયાની વિશેષ આવશ્યકતા છે. જ્યારે નેટવર્ક સ્પ્રેક્ટ્રમની સસ્તી, સરળ અને સુંદર બ્રોડબેન્ડ સુવિધા ધિરૂભાઇ દાયકા પહેલા પરિવારને અપાવીને ગયા છે. આ ઉપરાંત જરૂર પડે ત્યારે સરકારી સુવિધાઓ તો મળવાની જ છે. વર્ષ ૨૦૧૨ સુધી બોજ વિનાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઉપર આશરે ૨.૮૮ લાખ કરોડ રૂપિયાનો બોજો છે. જે પુરો કરવા માટે કદાચ JIO નો IPO સાલ ૨૦૨૦ નાં અંત સુધીમાં આવી શકે છે. ત્યાં સુધી એરટેલ કોઇ ઓફર લાવશે કે તુરત જ JIO ની વધુ આકર્ષક ઓફર આવવાની જ છે.

ઓફરોની વાત બાજુએ મુકીએ તો હવે આગામી દિવસોમાં ટેલિકોમ, ઇન્ટરનેટ, ફાયનાન્સ, મનોરંજન તથા મેડિકલ ક્ષેત્રે ઘણા ફેરફારો જોવા મળશે. આગામી દિવસોમાં લોકો થિયેટરમાં પિક્ચર જોવાને બદલે મોબાઇલ પર કે ઘરના TV પર ફિલ્મ રિલીઝ થયાને પ્રથમ સપ્તાહમાં જ જોતા થઇ જશે. જે મનોરંજન ઇન્ડસ્ટ્રીના કારોબારને મોટો ફટકો આપી શકે. આવું જ કાંઇક ફાયનાન્સ અને રિટેલ સેક્ટરમાં પણ જોવા મળે તો નવાઇ નહી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.