જમીન અન્નપૂર્ણા છે, ગૌ આધારિત પ્રાકૃતિક, કૃષિ થકી જમીનને પ્રદૂષિત થતી અટકાવી શકાય
ઝાડ અને છોડનું શરીર એટલે પંચ મહાભૂતનો ભંડાર, પ્રાકૃતિક ખેતીમાં છોડના વિકાસમાં પૃથ્વી, જળ, હવા, અગ્નિ અને આકાશ તત્વોનું સંયોજન
શું આપણે જમીન પ્રદૂષણ વિશે જાણીએ છીએ? જમીન પ્રદૂષણ એટલે શું ?
ચાલો, સમજવા પ્રયત્ન કરીએ. સરળ ભાષામાં જમીન પ્રદૂષણ એટલે જમીનમાં દૂષકોનો પ્રવેશ થવો.
જમીન પ્રદૂષણ થવા માટે મુખ્ય ચાર કારણો જવાબદાર છે.
- કૃત્રિમ ખાતરનો અવિવેકી ઉપયોગ કરવો
- કીટનાશકોનો અવિવેકી ઉપયોગ કરવો
- ઘનકચરાને જમીનમાં દાટવો
- જંગલ વિસ્તારનો વિનાશ થવો.
જમીનએ અન્નપૂર્ણા છે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ થકી જમીનને પ્રદૂષિત થતી અટકાવી શકાય છે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ થકી જમીનની ફળદ્રુપતા પણ વધારી શકાય છે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી. સાથે જીવામૃત (દેશી ખાતર) થકી જમીનની તાકાતમાં વધારો કરવામાં આવે છે અને તેની ફળદ્રુપતા વધારવામાં આવે છે.
પાકને વિકસવા માટે જે સંસાધન જોઈએ તે એમનાં મૂળ પાસેની જમીન અને પાન પાસેના વાતાવરણમાં જ પૂરતા પ્રમાણમાં હોય છે, ઉપરથી કંઈપણ આપવાની જરૂર નથી. આપણા પાક જમીનમાંથી ૧.૫ થી ૨.૦ ટકા તત્વ લે છે. બાકીના ૯૮ ટકાથી વધુ તત્વો હવા, સૂર્યપ્રકાશ અને પાણીમાંથી લે છે. આમ, હવા અને પાણીથી જ પાકનું ૯૮ ટકા શરીર બને છે.
ઝાડ અને છોડનું શરીરએ પાંચ મહાભૂતનો ભંડાર છે. પ્રાકૃતિક ખેતીમાં છોડના વિકાસમાં પૃથ્વી, જળ, હવા, અગ્નિ અને આકાશનું સંયોજન છે. ઉલ્લેખનીય છે કે, છોડ અથવા વૃક્ષનું કોઈપણ લીલું પાન દિવસ દરમિયાન પ્રકાશ સંશ્ર્લેષણ ક્રિયાથી ખોરાક બનાવે છે, પાન એ ખોરાક બનાવવાનું કારખાનું છે. ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ પાંચ મહાભૂતની (પંચ તત્વ) સંખ્યા મુળભૂત રીતે પાંચ જ છે. આ પાંચ તત્વો એ તમામ ૧૦૮ તત્વોથી બનેલ છે.
ઝાડ અને છોડના વિકાસમાં ૨૭ નક્ષત્રો અને દરેક નક્ષત્રના ૪ પ્રકાર એમ તમામની ઊંડી અસર થાય છે. દરેક નક્ષત્રમાં સૂર્યના કિરણોની તીવ્રતા અને દરેક નક્ષત્રમાં છોડની બનાવટ પણ જુદી-જુદી હોય છે. ૨૭ નક્ષત્રોમાં દરેકના ૦૪ ચરણ એટલે કુલ ૧૦૮ નક્ષત્ર ગણી શકાય.
તત્વોનું વિભાગીકરણ કુલ ૦૪ વિભાગમાં કરી શકાય છે.
પ્રથમ વિભાગ– આ વિભાગમાં કાર્બન, હાઈડ્રોજન અને પ્રાણવાયુ (ઓક્સિજન) આમ ત્રણ તત્વોનો સમાવેશ હોય છે.
બીજો વિભાગ– આ વિભાગમાં નાઈટ્રોજન,ફોસ્ફરસ અને પોટાશ આમ ત્રણ તત્વોનો સમાવેશ થાય છે.
ત્રીજો વિભાગ- આ વિભાગમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધક (સલ્ફર) આમ ત્રણ તત્વોનો સમાવેશ કરવામાં આવે છે.
ચતુર્થ વિભાગ– આ વિભાગમાં સુક્ષ્મ ખોરાકી તત્વની સંખ્યા ૯૯ હોય છે. આ તમામ સૂક્ષ્મ તત્વોને ખોરાકી તત્વો તરીકે ઓળખવામાં આવે છે.
જમીનનું પ્રદૂષણ અટકાવવા માટે આપણે ખેતી લાયક જમીનમાં રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ બંધ કરવો જરૂરી છે. સાથે કીટનાશકો કે જંતુનાશક કેમિકલયુક્ત દવાઓનો ઉપયોગ સદંતર કાયમ માટે બંધ કરવો જરૂરી છે. આ ઉપરાંત રાસાયણિક કૃષિ પદ્ધતિ છોડીને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ આગળ ધપવું પડશે. ગૌ આધારિત કૃષિ આજના સમયની તાતી જરૂરીયાત છે.