મુખ્ય રાજમાર્ગોની સ્થિતી ખૂબજ ખરાબ: પાલિકા તંત્ર સામે ઉઠતા સવાલો
રાજવી કાળના વિરાસત સમાન રાજમાર્ગો હાલ દબાણોના કારણે સાંકડા બન્યા હોય લારી ગલ્લા અને કેટલાક વેપારીઓ ના દબાણોના કારણે આમ જનતા પરેશાનીઓનો ભોગ બની રહી છે પાલિકા કચેરીએ અનેક ફરીયાદો પહોંચવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધાર્મિક અને પર્યટન ક્ષેત્રે આગવી નામના ધરાવતા ગોંડલ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપક પ્રમાણમાં દબાણો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યા હોય પ્રવાસીઓની સાથોસાથ શહેરીજનો પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે.
દબાણ અંગે પાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા એ જણાવ્યું હતું કે શહેરના બસ સ્ટેન્ડ, ગુંદાળા રોડ, ત્રણ ખુણીયા, જેતપુર રોડ, જેલચોક, પાંજરાપોળ, ગુંદાળા દરવાજા ચોક, માંડવી ચોક, નાની મોટી બજાર સહિત મોટાભાગના વિસ્તારોમાં દબાણો થયાની પાલિકા કચેરીએ વ્યાપક ફરિયાદો આવી છે, ખાણીપીણી અને ફ્રુટની લારી વાળાઓ ફૂટપાથ પર કેબીન અને રોડ ઉપર રેકડીઓ મૂકી વ્યાપક પ્રમાણમાં દબાણ કરી રહ્યા છે, આવા વેપારીઓ અને પાલિકા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે, જો સ્વૈચ્છિક રીતે દબાણો દૂર નહીં કરે તો પાલિકા તંત્ર નોટિસ ફટકારશે અને આગામી દિવસોમાં ફોજદારી રાહે પગલાં ભરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પાલિકા દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરી ફૂટપાથ પર આકર્ષક સિમેન્ટના બ્લોક ફીટ કરાયા છે કેટલાક લોકો દ્વારા આવી જાહેર પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચાડાયું છે આ આપણા સર્વે ને મિલકત છે તેને નુકસાન ન પહોંચાડવું અંતમા અનુરોધ કરાયો હતો.
ગોંડલના બસ સ્ટેન્ડ પાસે રોજિંદા ટ્રાફિક સમસ્યા થતી હોય છે તેવામાં બસ સ્ટેન્ડ ની સામે નાના વેપારીઓ દ્વારા ફૂટપાથ પર કાઉન્ટર ખડકી છાપરા ફીટ કરાયા હોય જેના કારણે વાહનો સરળતાથી પસાર થઈ શકતા નથી આવી જગ્યા પર પોલીસને સાથે રાખી આગામી સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
કલેક્ટર અને પોલીસ તંત્રને વાકેફ કરાયું
નેશનલ હાઈવે ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ નીચે બસ ટ્રક અને મેટાડોર સહિત હેવી વાહનો નો જમાવડો રહેતો હોય સાથે ખાણીપીણીની લારીઓ પણ ઉભી રહેતી હોય દબાણના કારણે વ્યાપક પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હોય કલેક્ટર અને પોલીસ તંત્રને વાકેફ કરાયુ છે તે ઉપરાંત નેશનલ હાઈવે સર્વિસ રોડ પર આશરે એકાદ વર્ષ પહેલા દૂર કરાયેલા દબાણો ની જગ્યાએ ફરી દબાણો થયા હોય તેની પણ જાણ કરાઈ છે.