કોરોનાના રોગચાળાને કાબુમાં લેવા મ્યુ કમિશનરમેદાને
ભીડ એકઠી કરનારા પર તવાઇ ઉતારતા મ્યુ. કમિશનર
ફૂટપાથ રસ્તા પર રખાતા ગેરકાયદે પાટીયા પણ જપ્ત કરાયા
ગેરકાયદે રેકડી કેબીનો સામે કડક કાર્યવાહી કરાશે: મ્યુ.તંત્ર
શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે અને કોરોના નો ફૂફાળો કાબૂમાં આવતો નથી લોકો સોશિયલ ડિસ્ટનસ જાળવતા નથી એને વીના કારણે ભીડ એકઠી કરતા હોવાથી કોરોનાનો લોકલ સંક્રમણ વધી ગયું છે. ગઈકાલે એક જ દિવસમાં શહેરી વિસ્તારના સંખ્યાબંધ કેસો સામે આવતા ખુદ મ્યુનિ.કમિશનર સતીષ પટેલ હવે મેદાનમાં ઉતર્યા છે, અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે.
જામનગર શહેરના હવાઈ ચોક અને ખંભાળિયા ગેટ આસપાસના વિસ્તારોમાં અનેક રેકડીઓ ખડકાયેલી હોવાથી અને ત્યાં તેના કારણે ભીડ એકઠી થતી હોવાથી મ્યુનિ.કમિશનર ની હાજરીમાં જ દબાણ હટાવ શાખાએ ૧૦થી વધુ રેકડી કેબીનો તથા અન્ય સામગ્રી કબજે કરી લીધી હતી.
આ ઉપરાંત બર્ધનચોક વિસ્તારમાં પણ મ્યુનિ.કમિશનર ની હાજરીમાં જ દબાણ હટાવ શાખાએ સપાટો બોલાવ્યો હતો અને ૧૦થી વધુ રેકડી પથારાઓ હટાવ્યા છે. આ ઉપરાંત જામનગરના સાત રસ્તા સર્કલ થી એસટી ડિવિઝન સુધીમાં અનેક રેકડીઓ ખડકાઈ જાય છે. સાથોસાથ ચશ્મા નો વેપાર કરનારા કેટલાક વિક્રેતાઓએ માર્ગ ઉપર ચશ્મા રાખવા માટે ના પાટીયા ખડકી દીધા છે. એવા એકાદ ડઝન જેટલા પાટીયા પણ કબજે કરી લેવામાં આવ્યા છે.
સમગ્ર શહેરી વિસ્તારમાં જ્યાં ભીડ એકઠી થતી હોય અથવા તો ગેરકાયદે રેકડી કેબિનો ખડકાઇ ગઇ હોય તેવા તમામ સ્થળો પરથી મ્યુ કમિશ્ર્નરની હાજરીમાં દબાણો હટાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જામ્યુકોના તંત્રની આ કાર્યવાહીથી અનેક ધંધાર્થીઓ માં ભારે નાસભાગ મચી ગઇ હતી. તમામ જપ્ત કરેલો રેકડી સહિતનો માલસામાન મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે.
તબીબો આઇસીયુ સાથેની કોવિડ હોસ્પિટલ શરૂ કરશે
કોરોના સામેના જંગમાં ખાનગી તબીબો પણ મેદાને
જામનગરમાં કોરોનાની મહામારી હાહાકાર મચાવ્યો છે દિન-પ્રતિદિન આ મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી અનેક લોકોને સકંજામાં લઈ રહી છે જે અનુસંધાને ઈન્ડીયન મેડીકલ એસોસિએશન જામનગર દ્વારા આ અંગે તાત્કાલિક કોર કમિટીની મીટીંગ બોલાવવામાં આવી હતી આઈ એમ એ જામનગરના પ્રમુખ ડોક્ટર મહેશ દુધાગરા ની અધ્યક્ષતા માં મળેલી આ બેઠકમાં સેક્રેટરી નિકુંજ ચોવટીયા ડોક્ટર દિનકર સાવરીયા તથા ડોક્ટર પોપટ વિગેરે જોડાયા હતા. જામનગરમાં વિકરાળ બની રહેલી આ મહામારી અંગે ચર્ચા વિચારણાઓ કરી હતી ચર્ચાઓના અંતે ખાનગી તબીબોએ આ મહામારી ને રોકવા માટે જામનગરમાં કોવિડ કેર સેન્ટર અને ડેડીકેટેડ હોસ્પિટલ તથા આઇ.સી.યુ નો ટૂંક સમયમાં પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો હતો જે અન્વયે હાલ હોમ આઇકેલેશન ની પ્રવૃત્તિ તો ખાનગી તબીબો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ટૂંક સમય માટે આઇસીયુ સાથેની કોવિડ હોસ્પિટલ ખાનગી તબીબો દ્વારા શરૂ કરી દેવામાં આવશે.
ભીડ એકઠી કરતી ચા પાનની ચાર દુકાનો સીલ
જામનગર શહેરમાં વધતા જતા કોરોના વાયરસના સંક્રમણના પગલે તંત્ર દ્વારા નગરજનોને વધુને વધુ સાવચેતી રાખવા રોજેરોજ સૂચનાઓ આપવામાં આવી રહી છે તેમ છતાં લોકો જુની ઘરેડ મુજબ ચા-પાન, નાસ્તાની દુકાનોએ ભીડ જમાવવામાંથી પાછળ હટતા નથી તેના કારણે તંત્રએ હવે આકરા પગલાં ભરવાની ફરજ પડી રહી છે. તમામ વેપારીઓને સમયમર્યાદાની સાથે પોતાની દુકાનોએ સોશ્યલ ડીસ્ટન્સની અમલવારી કરાવવા જણાવવામાં આવ્યું છે તેમ છતાં તંત્રની સૂચનાને કાને ધરવામાં આવતી ન હોય આજે તંત્રએ નગરના હવાઈ ચોક વિસ્તારમાં ચાર દુકાનોને સીલ કરી છે. જેમાં તળાવની પાળના ઢાળીયે આવેલી બજરંગ હોટલ, ગણેશ ભજીયા, સાંઈ પાન અને કીરીટ હોટલ નામના ચાર વેપારી સંસ્થાનોને સીલ કરી દીધા છે. આગળના દિવસોમાં જો હજુ વેપારીઓ કે નાગરિકો જાગૃત નહીં બને તો તંત્ર વધુ કેટલાક વિસ્તારોમાં દુકાનો સીલ કરી નાખશે.