કલેકટર તંત્ર દ્વારા દબાણકારો સામે કાર્યવાહીની તજવીજ : ૩૦મીએ ડીમોલેશન હાથ ધરી કરોડોની કિંમતની જમીન ખુલ્લી કરાવાશે
કણકોટ પાસે પોલીસની વિભાગીય કચેરી માટે ફાળવવામાં આવેલ જગ્યા ઉપર દબાણો હટાવવા માટે કલેકટર તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં તમામ દબાણકારોને નોટીસો ફટકારી દેવામાં આવી છે. હવે આગામી તા.૩૦ના રોજ ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરશે તેવું જાણવા મળ્યું છે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સૂચનાથી જિલ્લામાં સરકારી જમીન ઉપરના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત કણકોટ પાસે આવેલી સરકારી જમીન ઉપર પણ દબાણો આવેલા હોય તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ સરકારી જમીન જિલ્લા કલેકટર દ્વારા પોલીસની વિભાગીય કચેરી બનાવવા ફાળવવામાં આવી હતી. આ જમીન ઉપર છથી સાત જેટલા દબાણો આવેલા છે.
આ સરકારી જમીન ઉપર ખેતીના દબાણો તેમજ કાચા અને પાકા મકાનો દબાણો આવેલા છે. આ દબાણ સામે કલેકટર તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તમામ દબાણકારોને નોટિસ ફટકારી દેવાઈ છે. વધુમાં મળતી માહિતી મુજબ આ દબાણો હટાવવા કલેકટર તંત્ર દ્વારા આગામી તા.૩૦ જુલાઈના રોજ ડીમોલેશન પણ હાથ ધરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગીય કચેરી માટે જે જગ્યા ફાળવવામાં આવી છે. તે જગ્યા ઉપર દબાણ થતા કલેકટર તંત્ર હરકતમાં આવ્યું છે અને દબાણકારો સામે કાર્યવાહી હાથ ધરી છે. હવે આગામી સમયમાં અન્ય સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણો પણ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. વધુમાં મળતી માહિતી મુજબ કોઠારીયા વિસ્તારમાં પણ દબાણકારો બેફામ બન્યા છે. અનેકવિધ સરકારી ખરાબામાં ભુમાફિયાઓએ કબજો જમાવ્યો છે. ત્યારે તેઓની સામે પણ કલેકટર તંત્ર આકરી કાર્યવાહીના મૂડમાં છે. હાલ કોરોનાની મહામારીમાં કલેકટર તંત્ર વ્યસ્ત હોય જેની કામગીરીમાંથી થોડી રાહત મળતા વેંત જ ભૂમાફિયાઓ ઉપર સપાટો બોલાવવામાં આવનાર છે.