લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામે મોટામાથાઓ ગૌચરની જમીન ઉપર ડોળો જમાવી જમીન હડપ કરી જવાના ઇરાદે બેફામ દબાણ કર્યુ હોવા છતા તંત્ર કામગીરી ન કરતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી, તલાટીમંત્રી આ અંગે ભૂંડી ભૂમિકા ભજવતા હોવાનો લોકોએ ધગધગતો આક્રોશ કર્યો છે. દબાણો દૂર કરાવવાની માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. મોટી રાફુદડના ગ્રામજનો ભરતભાઇ નકુમ, કરશનભાઇ રબારી સોનગરા નિલેશભાઇ, ઇસ્માઇલભાઇ ભટ્ટીએ રજૂઆતમાં જણાવ્યું કે, તંત્રી નિષ્કિીયતાથી મોટી રાફુદડની ગૌચરની જમીન હડપ કરી જવા મોટા માથાઓ મેદાને ઉતર્યા હોઇ તેવી સ્થિતિ જન્મી છે. ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન ઉપરના દબાણોની માપણી કરવા જે તે વખતે રૂા.48,000 ડીઆઇએલઆર કચેરીમાં તા.6-6-2018ના રોજ ભરપાઇ કરી દેવામાં આવેલ છે અને માપણી પણ થઇ ચુકી છે જેમાં એક નંબર જોઇ જાણીને માપણી કરવામાં આવેલ નથી. જવાબદાર તાલુકા વિકાસ અધિકારી માત્ર કાર્યવાહી ચાલુ છે તેવું કહી સંતોષ માની લે છે. તલાટી મંત્રી પણ ગ્રામ પંચાયતને બચાવવામાં છે.

ગૌચર જમીન ઉપરથી આ દબાણો દૂર ન થવા ઉચ્ચ રાજકીય દબાણો અને વગ વાપરી ગ્રામ પંચાયતના સરપંચ જવાબદારોને બચાવવામાં આવી રહ્યા છે. વધુમાં તાલુકા વિકાસ અધિકારી જોઇ જાણી માત્રને માત્ર સમય પસાર કરાવી રહ્યા છે. પંચાયત ધારાની જોગવાઇ અનુસાર મળેલા અધિકારો અંતર્ગત ઉચ્ચ રાજકીય દબાણો હેઠળ ગૌચરની જમીનો ઉપરના દબાણો દૂર કરવામાં આવતા નથી. તેવું સ્પષ્ટ જણાયુ છે. જેથી કયાંકને કયાંક આમાં જવાબદાર અધિકારી અને પદાધિકારીની મીલી ભગથી આ દબાણો દૂર કરવામાં આવતા નથી તેવુ સ્પષ્ટ જણાય રહ્યું છે. જેથી મોટી રાફુદડ ગામે ગૌચરની ચરિયાણ જમીનો ઉપરના મોટા માથાઓ દ્વારા થયેલા દબાણો દૂર કરવામાં આવે. તેમજ જવાબદાર તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રી સામે ખાતાકીય રાહે ઉચ્ચ તપાસ હાથ ધરી પગલા લેવા ગ્રામજનોએ માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.