શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી અને પ્રદેશ મહામંત્રી મહેશ રાજપુતની મ્યુનિ.કમિશનરને રજૂઆત
શહેરના મુખ્ય રોડ અને મુખ્ય ચોક વગેરે જેવી જગ્યાએ રાજકોટ મહાનગર પાલિકાએ હોર્ડિંગ્સ-કિઓસ્કની સાઇટ માટે ટેન્ડરથી ફાળવેલ હોય ત્યારે રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપનું શાસન હોવાથી શહેરમાં હોર્ડિંગ્સ-કિઓસ્ક લગાડવા માટે કોંગ્રેસનું અગાઉથી બુકિંગ હોવા છતાં વેન્ડર પર ભાજપના શાસકો અને નેતાઓ દ્વારા કાયમી ધંધો બગડવાની ધમકી આપી કોંગ્રેસનું અગાઉથી બુક કરેલી સાઇટ પણ રદ્ કરી રહ્યા છે. વિધાનસભા 68,69,70 અને 71માં 50 ટકા હોર્ડિંગ-કિઓસ્ક ફાળવવામાં સમાન હક્ક મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા શહેર કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
તેઓએ ઉમેર્યું હતું કે વિધાનસભા-68ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂ અને કોંગ્રેસ દ્વારા કુવાડવા રોડ, 80 ફૂટ રોડ, પારેવડી ચોક સહિતના વિસ્તારોમાં વિવિધ હોર્ડિંગ્સ અને કિઓસ્ક ડીસેમ્બર માસ સુધીના એગ્રીમેન્ટ કર્યા હોવા છતાં એજન્સી દ્વારા અમલ કરતા નથી આ અમલ ન કરવાનું કારણ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પદાધિકારીઓ છે તેઓ તમામ એજન્સીને દબાવતા હોય અને ધમકાવતા હોય ત્યારે કોંગ્રેસ રજૂઆત છે કે અમારી સાથે કરેલા એગ્રીમેન્ટનું પાલન કરે અન્યથા રાજકોટ મહાનગર પાલિકા દ્વારા એગ્રીમેન્ટનું પાલન ન કરવા અને છેતરપિંડી કર્યાની ફરિયાદ કરવામાં આવે અને એજન્સીને બ્લેકલિસ્ટેડ જાહેર કરવામાં આવે તેવી માંગણી શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી અને પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂતે કરી છે.