- ગીરસોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા, ભાવનગર એસપી હર્ષદ પટેલ, જૂનાગઢ એસપી હર્ષદ મહેતા અને પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા હવે આઈપીએસ તરીકે કાયમી
અબતક, રાજકોટ ન્યૂઝ : ગીર સોમનાથ એસપી મનોહરસિહ જાડેજા, જૂનાગઢ એસપી હર્ષદ મહેતા, ભાવનગર એસપી ડો.હર્ષદ પટેલ, પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા, મહીસાગર એસપી જયદીપસિંહ જાડેજા, મહેસાણા ઇન્ચાર્જ એસપી ઋષિકેશ ઉપધ્યાય અને મુખ્ય મંત્રીના સિક્યોરિટી એસપી ચિંતન તેરૈયા સહિત 23ને આઇપીએસ તરીકે કાયમી કરવા રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરીની મહોર લાગી છે. જે બાદ ગુજરાતના અધિકારીઓમાં હર્ષની લાગણી છવાઈ છે. હવે તમામ 23 અધિકારીઓને તુરંત બેચ ફાળવી દેવામાં આવશે.
વર્ષ 2020ની બેચના 23 ડાયરેક્ટ ડીવાયએસપી (જીપીએસ) અધિકારીઓને આઈપીએસ તરીકે કાયમી કરવાની દરખાસ્ત પર રાષ્ટ્ર્રપતિએ મંજૂરીની મહોર લગાવતા ગુજરાત પોલીસ બેડામાં ખુશીની લાગણી છવાઈ છે. આ 23 પૈકી ચાર જેટલાં અધિકારીઓ હાલ સૌરાષ્ટ્રમાં ફરજ બજાવી રહ્યા છે. જેમાં ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા, ભાવનગર એસપી ડો. હર્ષદ પટેલ, જૂનાગઢ એસપી હર્ષદ મહેતા, પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આઈપીએસ તરીકે કાયમી થયેલા અન્ય 19 અધિકારીઓની જો વાત કરવામાં આવે તો અગાઉ સુરેન્દ્રનગર એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા હરેશ દુધાત, સૌરાષ્ટ્રમાં પ્રોબેશનલ પિરિયડ વિતાવનાર એન્ડ્રૂયઝ મેકવાન, સીએમ સિક્યુરિટીની જવાબદારી સંભાળતા ચિંતન જે તેરૈયા, મહેસાણા એસપી ઋષિકેશ ઉપાધ્યાય, રાહુલ વી પટેલ, જયદીપસિંહ ડી જાડેજા, હિમાંશુ આઈ સોલંકી, વિજય એ પટેલ, રાજેશ એચ ગઢીયા, પન્ના એમ મોમાયા, રવિરાજસિંહ એસ જાડેજા, મુકેશકુમાર એન પટેલ, ભગીરથ ટી ગઢવી, ઉમેશકુમાર આર પટેલ, કિશોર એફ બલોલિયા, જયરાજ વી વાળા અને પિનાકીન એસ પરમારનો આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ડો. હર્ષદ પટેલ અને હર્ષદ મહેતા રાજકોટના ભૂતપૂર્વ એસીપી
હાલ ભાવનગર એસપી તરીકે કાર્યરત ડો. હર્ષદ પટેલ ભૂતકાળમાં રાજકોટ ખાતે એસીપી ક્રાઇમ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જે દરમિયમ તેમણે અનેક મહત્વપૂર્ણ તપાસ કરી હતી. તે જ સમયે હાલના જૂનાગઢ એસપી હર્ષદ મહેતા એસીપી દક્ષિણ તરીકે રાજકોટ ખાતે કાર્યરત હતા. બંને અધિકારીઓએ તેમના અનુભવો સાથે અનેક મહત્વપૂર્ણ ગુન્હા ડિટેક્ટ કર્યા હતા.
મનોહરસિંહ જાડેજા અગાઉ રાજકોટમાં ડીસીપી ઝોન-2 તરીકે કરી ચુક્યા છે પ્રશંસનીય કામગીરી
હાલ ગીર સોમનાથ એસપી તરીકે ફરજ બજાવતા મનોહરસિંહ જાડેજા અગાઉ રાજકોટ શહેરમાં ડીસીપી ઝોન-2 તરીકે અત્યંત પ્રશંસનીય કામગીરી કરી ચુક્યા છે. તેમણે રાજકોટ ખાતે કુખ્યાત ઇમરાન મેણું સહિતના વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી દાખલરૂપ કામગીરી કરી હતી. ઉપરાંત કોરોના કાળ દરમિયાન પોલીસની ફરજ બજાવવાની સાથે જરૂરિયાતમંદ લોકો માટે અનેક સેવાકાર્યો પણ કર્યા હતા. ઉપરાંત ગીર સોમનાથ એસપી તરીકે તેમણે વેરાવળના દરિયાકાંઠેથી રૂ. 300 કરોડથી વધુ કિંમતનો 50 કિલોથી વધુ ડ્રગ્સનો ઐતિહાસિક જથ્થો ઝડપી પાડ્યો હતો.