શું મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસમાં ભંગાણ પડશે!
રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ નવી સરકાર રચવા વિવિધ વિકલ્પો વિચારવા તમામ રાજકીય પક્ષોને સમય મળ્યો: એનસીપી-કોંગ્રેસે શિવસેનાને ટેકો આપવા મુદ્દે હજુ વિચારણા ચાલુ હોવાનું જણાવ્યું તો શિવસેના ભાજપ સાથે ફરીથી જોડાવવાના સંકેતો આપતા રાજકીય અસમંજસની સ્થિતિ યથાવત્
દાયકાઓથી મહારાષ્ટ્ર દેશના રાજકીય, સામાજિક અને ધાર્મિક ચળવળનું કેન્દ્રબિંદુ રહ્યું છે. મહારાષ્ટ્રમાં તથા પરિવર્તનોની અસર સમગ્ર દેશના તમામ ક્ષેત્રોમાં થાય છે. તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં યુતિ કરીને લડેલા ભાજપ-શિવસેના વચ્ચે પરિણામો બાદ સર્વોપરિતાના મુદ્દે સામસામી તલવારો ખેંચાઈ હતી. જેથી બન્ને પક્ષોની યુતિને સ્પષ્ટ બહુમતિ મળી હોવા છતાં એક પખવાડિયા સુધી નવી સરકાર રચાઈ શકી ન હતી. ૨૦૧૪માં ચૂંટાયેલી વિધાનસભાની મુદત પૂર્ણ તાં રાજ્યપાલે ભાજપ, શિવસેના, એનસીપીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું પરંતુ એકપણ પક્ષ સરકાર રચવા સમર્થ ન રહેતા આખરે ગઈકાલે રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ તમામ રાજકીય પક્ષોને પોતાના સરકાર રચવાનો સમય મળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. ભાજપે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોને ખેડવીને બહુમતના ૧૪૫ના મેઝીક ફીગરે પહોંચવા પ્રયાસો શરૂ કર્યા હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું છે.
મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે રાજકીય અનિશ્ચિતતાને લઈને રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું છે. દરમિયાન ભાજપના સહયોગી અને પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરશે. ભાજપ ૧૪૫ ધારાસભ્યોના ટેકાથી રાજ્યપાલની પાસે સરકાર રચવાનો દાવો કરશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયેલા રાણે મંગળવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવશે. અમે ભાજપ સરકાર માટે કામ કરી રહ્યા છીએ. સરકાર બનાવવા માટે જે કંઈ પગલા લેવા પડશે તે લેશું. અત્યારે ભાજપ માટે સરકાર બનાવવાનું કામ કરવાનું મારું કર્તવ્ય છે. સત્તા રચવા માટે, અમે ૧૪૫ ધારાસભ્યનો ટેકો લીધા પછી જ રાજ્યપાલ પાસે જઈશું. દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ્યમાં સ્થિર સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી હતી.
ઉદ્ધવ ઠાકરે સાથે ૩૬નો આંકડો ધરાવતા રાણેએ કહ્યું કે, ભાજપના કોઈ ધારાસભ્ય જોખમમાં નથી. શિવસેનાએ પોતાના ધારાસભ્યોને બંધ રાખ્યા છે. શિવસેનાએ સમાન, ભાવ, સજા, ભેદ શીખવ્યું છે. શિવસેનાને બેવકૂફ બનાવવામાં આવી રહી છે. મને નથી લાગતું કે શિવસેના એનસીપી-કોંગ્રેસ સાથે જશે. મને જે જવાબદારી સોંપવામાં આવી છે, તે કામ પૂર્ણ થયા પછી જાણી શકાશે. બીજી તરફ, ભાજપના નેતા સુધીર મુગંટીવારે પણ પાર્ટીની કોર કમિટીની બેઠક બાદ કહ્યું હતું કે ’અમને રાષ્ટ્રપતિ શાસનની અપેક્ષા નહોતી. આદેશનો સંપૂર્ણ આદર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો અમારો પ્રયાસ રહેશે. અમે રાજ્યમાં સ્થિર સરકાર બનાવવાનો પ્રયાસ કરીશું. અમે રાજ્યની જનતા સાથે ઉભા રહીશું. જો કે મુગંટીવારે રાણેના નિવેદનને તેમનો વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યો છે.
મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી. રાજ્યપાલની ભલામણને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કોંગ્રેસ-એનસીપીની બેઠકમાં શિવસેનાને ટેકો આપવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ટીકા કરી છે.
જો કે, શિવસેનાએ હજી પણ ભાજપ સાથે સમાધાનના દ્વાર ખુલ્લા રાખ્યા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે પત્રકાર પરિષદમાં આ વાતનો સંકેત આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે શિવસેના નહીં પણ શિવસેના સાથે ભાજપના સંબંધો તૂટી ગયા છે. હકીકતમાં, પત્રકાર પરિષદ દરમિયાન, એક પત્રકારે ઉદ્ધવને ભાજપના વિકલ્પને સમાપ્ત કરવા વિશે સવાલ કર્યા હતા. ઉદ્ધવ આ સવાલ પર ગુસ્સે ભરાયા અને બોલ્યા, તમે આટલી ઉતાવળમાં કેમ છો? … આ રાજકારણ છે … રાજ્યપાલ દ્વારા ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો નથી. મેં ભાજપનો વિકલ્પ સમાપ્ત કર્યો નથી, આ ભાજપ દ્વારા જ કરવામાં આવ્યો છે.
ઉદ્ધવે વધુમાં કહ્યું કે, લોકસભાની ચૂંટણી પહેલા હું એક બાજુ જતો હતો, ભાજપ સામેથી આવ્યું, મેં તેમની ભાવનાનો આદર કર્યો.ત્યારે આખા દેશમાં એવું વાતાવરણ હતું કે ભાજપ સરકાર નહીં આવે. લગભગ ૨૦૦, ૨૧૦ અથવા ૨૨૦ બેઠકો આવશે, પછી હું તે અંધકારમાં તેમની સાથે ગયો. ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, ’જો મારી સાથે ભાજપનું જોડાણ ખતમ થઈ ગયું હોત, તો તેઓએ તેનો અંત કર્યો હતો. તે સમયે જે બન્યું તેને અનુસર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ હજી સુધી પહોંચવામાં સક્ષમ નથી પરંતુ રોજ નવી ઓફરો આવે છે. દરમિયાન સૂત્રોના હવાલેથી જણાવાયું છે કે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાત્રે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને મુંબઈની હોટલ ટ્રાઇડન્ટ ખાતે મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહેમદ પટેલ ઉદ્ધવ ઠાકરે સાથેની આખી વાતચીતની વિગતો કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને આપવામાં આવશે, ત્યારબાદ સરકાર રચવા માટે આગળની રણનીતિ બનાવવામાં આવશે. શિવસેનાના સુપ્રીમોએ પત્રકાર પરિષદ દરમિયાન એમ પણ કહ્યું હતું કે રાજ્યપાલે તેમને સરકાર બનાવવા માટે ટેકોના જરૂરી પત્રો સોંપવા માટે માત્ર ૨૪ કલાકનો સમય આપ્યો હતો, જ્યારે તેમણે ૪૮ કલાક માંગ્યા હતા. શિવસેનાએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના ત્રણ દિવસનો સમય નહીં આપવાના નિર્ણય સામે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરી હતી, પરંતુ આ કેસમાં તાત્કાલિક સુનાવણી મેળવવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. સુપ્રીમ કોર્ટ આ અરજી પર સુનાવણી કરી શકે છે. શિવસેનાને સરકાર બનાવવા માટે પૂરતો સમય નહીં આપવાના રાજ્યપાલના નિર્ણય સામે શિવસેનાની અરજી આજે સુપ્રીમ કોર્ટમાં રિફર કરવામાં આવશે. આજે શિવસેના આ કેસની તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. આ સિવાય શિવસેના રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના નિર્ણયને પડકારતી અરજી પણ દાખલ કરશે અને તાત્કાલિક સુનાવણીની માંગ કરશે.મળતી માહિતી મુજબ સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ શિવસેના વતી કોર્ટમાં હાજર થશે.
બીજી તરફ કોંગ્રેસ અને એનસીપીના વરિષ્ઠ નેતાઓ વચ્ચેની બેઠકનું પણ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. એનસીપીના નેતા પ્રફુલ પટેલે બંને પક્ષો દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનોને વાંચીને કહ્યું કે, સ્પષ્ટતા કરતા પહેલા તમામ મુદ્દા સ્પષ્ટ કરવા જોઈએ તે જરૂરી છે. તે પહેલા કોંગ્રેસ અને એનસીપી કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરશે. શિવસેનાને ટેકાની તે બાદ જ શિવસેના સાથે વાત કરશે. આ પછી બંને પક્ષો શિવસેનાને ટેકો આપવાનો નિર્ણય કરશે. પટેલે કહ્યું, આજે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે મહારાષ્ટ્રના વિકાસ અંગે લાંબી ચર્ચા થઈ હતી, જેમણે મહારાષ્ટ્રમાં ચૂંટણી લડી હતી. શિવસેનાએ ગઈકાલે પ્રથમ વખત સત્તાવાર રીતે એનસીપી અને કોંગ્રેસનો સંપર્ક કર્યો હતો. આ સંપર્ક ટેકો મેળવવા માટે હતો. સ્પષ્ટતા કરતા પહેલા તે જરૂરી છે કે તમામ મુદ્દાઓ સ્પષ્ટ કરવા જોઈએ. આજે આ પાસાઓની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે. બંને પક્ષો વચ્ચે સર્વસંમતિ થાય તે પછી જ આગળની રણનીતિ ઘડવામાં આવશે.
એનસીપીના નેતા શરદ પવારે કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી માંગતા નથી. કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા પછી પણ સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવશે. આ નિર્ણય પરસ્પર સંમતિ બાદ લેવામાં આવશે. સરકાર બનાવવા અને સરકાર ચલાવવા માટે, કેટલાક મુદ્દાઓ પહેલા સાફ કરવાની જરૂર છે. આ પછી કોંગ્રેસના નેતા અહેમદ પટેલે કહ્યું, ’અમારા સંયુક્ત નિવેદનમાં બધું સ્પષ્ટ છે. ઉલ્લેખ કર્યો છે તેમ, શિવસેના દ્વારા ગઈકાલે પહેલી વાર અમારો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ બાબતે પહેલા સાથીદાર સાથે વાત કરવાની આપણી જવાબદારી છે. ગઈકાલે સોનિયા ગાંધીએ શરદ પવાર સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવાની જરૂર છે. તેમના પર સંમત થયા પછી જ અમે શિવસેના સાથે વાત કરીશું.
આમ, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ ભાજપ બહુમત માટે જરૂરી ૪૦ ધારાસભ્યોનો ટેકો મેળવવા શિવસેના, એનસીપી અને કોંગ્રેસના તુટવાની રાહ જોશે. રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ કોઈપણ રાજકીય પક્ષને ફરીથી ચૂંટણી આવે તે પોંસાઈ તેમ નથી. જેની શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં ટૂંક સમયમાં ફૂટફાટ પડી શકે તેવી સંભાવના ભાજપ જોઈ રહી છે. જ્યારે એનસીપી, કોંગ્રેસના રાજકીય ચાલના કારણે શિવસેનાની હાલત ધોબીના કુતરા જેવી થઈ ગઈ હોય તે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળે તેના પર આશા રાખવા ઉપરાંત સત્તા માટે ભાજપ, એનસીપી અને કોંગ્રેસના ઉપકારની રાહ જોઈ રહ્યું હોય તેવો અભૂતપૂર્વ રાજકીય ઘાટ ઘડાયાનું રાજકીય પંડિતોનું માનવું છે.