દેશભરમાંથી આવેલા ૧૬ હજાર યુવક-યુવતીઓને અપાશે શારીરિક બૌઘ્ધિક અને આત્મજાગૃતિનું પ્રશિક્ષણ
ગૌસેવા, માનવસેવા અને રાષ્ટ્રસેવા અર્થે જીવન સમર્પિત કરી દેનાર સ્વામી ધર્મબંધુજી આયોજીત રાષ્ટ્ર ઘડતર શિબિરમાં જોડાશે દેશભરનાં બૌઘ્ધિકો: સામાજીક ચેતના જાગૃત કરવાનું વિરાટ અભિયાન
દેશના નવનિર્માણમાં યુવાનોનો ફાળો સૌથી મહત્વનો છે. સદનસીબ છે કે દુનિયાના દેશોમાં ભારત પાસે સૌથી વધુ સક્ષમ યુવાધન છે. આ યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેના ધર્મની ભાવના વિકસિત થાય તે જ‚રી છે. આ કામ છેલ્લા ૧૯ વર્ષથી ઉપલેટા તાલુકાના પ્રાસંલા ખાત કાર્યરત, વૈદિક મિશન ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે. રાષ્ટ્રકથા શિબિર વિશે ગુજરાતના યુવાનો અપરિચિતિ નથી. તા.૬ને શનિવારથી તા.૧૩ સુધી પ્રાસંલા ખાતે રાષ્ટ્રકથા શિબિર યોજાશે. જેમાં દેશના જાણીતા ચિંતકો, શિક્ષણશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, સુરક્ષા સલાહકારો, ન્યાયવિદો, વિવિધ ક્ષેત્રના તજજ્ઞો હાજર રહી રાષ્ટ્રીય ઘડતરના ચિંતનમાં સહભાગી થશે. જે અંગે વિગત આપવા સંયોજક સ્વામી ધર્મબંધુજીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ભારત દેશની સંસ્કૃતિએ વેદ-ઉપનિષદ અને ધર્મગ્રંથો ઉપર આધારિત રહી છે. સૈકાઓ પહેલાના આ ગૌરવવંતા દેશનો ઈતિહાસ સુચવે છે કે ભારત સોને કી ચીડીયા તરીકે જગતભરમાં જાણીતું હતું. વિશ્ર્વને ધર્મ, જ્ઞાન અને જીવનશૈલીનું ઉતમ માર્ગદર્શન આ દેશના મહાનુભાવોએ પુરુ પાડયું છે. અલબત આજે આપણે અનેક પ્રકારના પ્રશ્ર્નોથી પીડીત છે. જાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદના પ્રશ્ર્નો સાંસ્કૃતિક વિરાસત માટે ખતરા‚પ બની રહ્યાં છે. આર્થિક સ્થિતિ ડામાડોળ રહેતી હોવાથી દુનિયાના ધનિક દેશો ગમે ત્યારે આપણી ગરીમાને હાનિ પહોંચાડતા રહે છે. આ સ્થિતિમાં આ દેશનું અખંડ સાર્વભૌમત્વ જાળવવા માટે યુવાનોને જાગૃત કરવા જરૂરી છે તે કામ રાષ્ટ્રકથા શિબિર છેલ્લા ૧૯ વર્ષોથી કરતી રહી છે.
વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા આયોજીત શિબિરમાં દેશના જુદા-જુદા ૨૬ રાજયોના અંદાજે ૧૬ હજારથી વધુ યુવાનો હાજર રહેશે. વેદ અને ઉપનિષદની ઋચાઓ તેમજ યજ્ઞના પ્રારંભ સાથે શિબિરને ખુલ્લી મુકવામાં આવશે. આ શિબિરમાં આર્મી, નેવી, સીઆરપીએફ, કોસ્ટગાર્ડ, બીએસએફ અને આરપીએફના જવાનો દ્વારા લશ્કરનાં સાધનોનાં નિદર્શન સાથે અંગકવાયતોનું નિદર્શન જોવા મળશે તેમજ ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શની ગોઠવવામાં આવી છે. જે શિબિરાર્થીઓને વૈજ્ઞાનિક સંશોધન અને સરહદી સલામી પ્રત્યે વધુ આકર્ષિત કરશે.
બહુ ઓછા લોકોને શિબિરના એ અંદાજનો ખ્યાલ હશે કે આપણા દેશના લશ્કરની ત્રણેય પાંખોના વડા દ્વારા શિબિરાર્થીઓને પ્રશિક્ષણ માટે ખાસ સહયોગ આપવામાં આવે છે. જેના કારણે પ્રાસંલા જેવા નાના સ્થળે લશ્કરની પાંખોના અંદાજે ૭૦૦ થી ૮૦૦ જવાનો સુરક્ષાના સાધનો સાથે હાજર રહે છે. વિદ્યાર્થીઓને લશ્કરમાં સલામતી માટે વપરાતી આધુનિક ટેન્ક, મિસાઈલ્સ, અતિ આધુનિક કેમેરા, રણગાડી, રોકેટ લોન્ચર સહિતના સાધનો જોવા મળે છે. આ વર્ષે નેવી તરફથી પણ સબમરીન દ્વારા જળવાતી લશ્કરની સુરક્ષા વિશેનું ડેમોસ્ટ્રેશન તૈયાર કરવામાં આવ્યું છે. જે શિબિરાર્થીઓ નિહાળી શકશે. ઈશરોએ અવકાશમાં જુદા-જુદા યાન જે તરતા મુકયા છે તેના મોડેલ રજુ કર્યા છે. તે પણ વિદ્યાર્થીઓને જોવા મળશે. કડકડતી ઠંડીમાં બોર્ડર ઉપર લશ્કરના જવાનો કઈ રીતે પોતાનું આરોગ્ય જાળવીને દેશની સુરક્ષા કરતા રહે છે ! તેનો હેરતભર્યા પ્રયોગો પણ શિબિરાર્થીઓને જોવા મળશે. વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ થતી શિક્ષણની શિબિર આખા દિવસ દરમિયાન શારીરિક, બૌઘ્ધિક, આધ્યાત્મિક અને સામાજિક પ્રશિક્ષણનું મોટુ પર્વ બની રહેશે.
આ શિબિરમાં જુદા જુદા રાજયોના શિબિરાર્થીઓ આવનાર હોવાથી શિબિરમાં સાંસ્કૃતિક એકતાના દર્શન થશે. દરરોજ જુદા-જુદા રાજયોની સાંસ્કૃતિક કૃતિઓ, ગીત, નાટક, નૃત્યો રજુ થશે. વિવિધ ભાષાઓમાં રજુ થનાર આ સાંસ્કૃતિક કૃતિએ શિબિરનું એક અનોખું સંભારણું બની રહેશે. શિબિરના સંયોજક સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને સુરક્ષાના ક્ષેત્રમાં જે દેશ સર્વાધિક પ્રભુત્વ પ્રાપ્ત કરી શકશે તે જ દુનિયાનું નેતૃત્વ કરી શકશે. વૈદિક મિશન દ્વારા આયોજીત યુવા ઘડતર શિબિરમાં રાષ્ટ્રીય એકતાના દર્શન થશે. અહીં માત્ર ગુજરાતના નહીં પરંતુ દેશભરના યુવક-યુવતીઓ આ વર્ષે મોટી સંખ્યામાં સામેલ થશે. કોઈ અરૂણાચલ પ્રદેશથી આવશે તો કોઈ આ સારથી જમ્મુ કાશ્મીરથી માંડીને ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ. પ.બંગાળ, ઓરિસ્સા, છતીસગઢ સહિતના કુલ ૨૬ રાજયોના યુવક-યુવતીઓ આ શિબિરમાં સામેલ થશે.
સતત આઠ દિવસ સુધી દરેક દેશની સંસ્કૃતિક વિરાસત સમાન સંસ્કૃતિક કાર્યક્રમો અહીં રજુ થશે, અખંડ ભારતના દર્શન થશે. દેશના જુદા જુદા વિસ્તારોમાંથી કોઈ ટ્રેન મારફતે તો કોઈ બસ મારફતે એક-બે દિવસનો પ્રવાસ કરીને શિબિરમાં આવી પહોંચ્યા બાદ અહિં વિવિધ રાજયોના વિદ્યાર્થીઓની સાથે હળીમળીને રહેશે. માતૃભાવના કેળવશે, એકબીજાનો નજીકથી પરીચય થતા પ્રાસંલામાં જાણે મીનીભારતનું સર્જન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળશે. દેશના સર્વાંગીણ વિકાસમાં આ શિબિર ઉપયોગી થનાર હોવાથી અનેક મહાનુભાવોનું માર્ગદર્શન મળશે.
રાષ્ટ્રકથા શિબિર એ શું છે ?
*યુવાનોના ઘડતરનું એક પ્રશિક્ષણ અભિયાન, જેના થકી દેશ સેવા માટે મથામણ કરતા નવયુવાનોને સાચી દિશા મળે છે.
*દેશના જાણીતા બૌદ્ધિકો, વૈજ્ઞાનિકો, રાજનીતિજ્ઞો, કાયદાવિદો, અર્થશાસ્ત્રીઓ, પર્યાવરણના તજજ્ઞો અને દેશની સુરક્ષાના સુકાનીઓ સાથેનું સંવાદ સ્થળ
*રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમસભર બંધુત્વની ભાવના વિકાસવાનો એક પ્રયાસ જયાં નાત-જાત-ભાષા-પ્રાંતના ભેદ ભુલીને યુવક-યુવતીઓનું સઘન પ્રશિક્ષણ કરવામાં આવે છે.
*વેદ, ઉપનિષદ અને ધર્મગ્રંથોમાં દર્શાવેલા જીવન ઘડતર મુજબ જીવન જીવવાનું ભાથુ આપવાનો એક પ્રયાસ. જયાં ૧૯ વર્ષથી પવિત્ર જીવનના બહુમુલ્ય આયામોનું શિક્ષણ અપાય છે.
*સ્વતંત્ર ભારતની જે લોકો સુરક્ષા કરી રહ્યા છે. રાત દિવસ દેશના સિમાડા ઉપર જાગતા રહીને જીવનું બલિદાન દેતા જે લોકો અચકાતા નથી. તેવા ભારતીય જવાનોના જીવનનું દર્શન કરાવવાનો પ્રયાસ જયાં શિસ્ત અને સંસ્કારની સાથે સુરક્ષાના સાધનોનો શિબિરાર્થીઓ પરિચય મેળવે છે.
*શિક્ષણ માત્ર નોકરી કે વ્યવસાય માટે નથી, એક સારા નાગરિક બનવા માટે છે અભ્યાસ બાદ વ્યકિત પોતાના જીવનમાં સ્થિર થયા પછી દેશ પ્રત્યેની ફરજ ન ભુલે તે માટે રાષ્ટ્ર સેવા, રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રની સુરક્ષાના પાઠ ભણાવવામાં આવે છે.
*શારીરિક સૌષ્ઠવ કેળવ્યા વિના વ્યકિત પોતાની સુરક્ષા પણ જાળવી શકતો નથી તેથી શિબિરએ જુડો-કરાટે સહિતની કવાયતો શિક્ષણ માટે શ્રેષ્ઠ માધ્યમ બને છે.
*જ્ઞાનના પ્રકાશપુંજનું દર્શન: આઠ દિવસના સમયગાળામાં અહીં દેશની શ્રેષ્ઠ પ્રતિભાઓના જ્ઞાનનું દોહન થાય છે. વિદ્યાર્થીઓ કે શિબિરાર્થીઓ માટે આ જ્ઞાન પ્રકાશનું દોહન એક વિરલ અનુભૂતિ હોય છે.
વિવિધ ક્ષેત્રોની નામાંકિત હસ્તીઓ અને વિદ્ધાનો આપશે હાજરી
દેશની સીમાડા વર્ષોથી સુરક્ષિત રાખનારા વીરના પતિઓની યાદીમાં જે કેટલાક નામ અગ્રીમ પંકિતમાં રહ્યા છે. તે પૈકી એક નામ છે જનરલ જી.ડી.બક્ષી. તેઓ પાકિસ્તાન સામે ૧૯૬૫ અને ૧૯૭૧ની લડાઈમાં દુશ્મન દેશને પાઠ ભણાવવામાં અગ્રેસર હતા. આર્મીના આ અધિકારીની જેમ બીજા અધિકારી છે. જનરલ રણધીરકુમાર મહેતા. આ અધિકારી પણ ઉદઘાટન સત્રમાં હાજર રહેશે. લેફટન્ટ જનરલ હિમાલયસિંહ તેમજ યુપીએસસીના ભૂતપૂર્વ મેમ્બર કલીમ શુગ્લા પણ શિબિરમાં હાજર રહેશે. ઉતરપ્રદેશના ડાયરેકટર જનરલ ઓ.પી.સિંગ પણ દેશની સુરક્ષા સંબંધી માર્ગદર્શન આપી શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કરશે.
વધુમાં નીચે મુજબના મહાનુભાવો ૮ દિવસ દરમ્યાનની રાષ્ટ્રકથા શિબિરમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. ડો.મનમોહનસિંઘ (દેશના પૂર્વ વડાપ્રધાન), રાજનાથસિંઘ (દેશના કેન્દ્રિય ગૃહમંત્રી), વિજય રૂપાણી (માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજય), ઓ.પી.રાવત (ઈલેકશન કમીશનર ઓફ ઈન્ડિયા), કે.વી.ચૌધરી (ચીફ વીઝીલન્સ કમિશનર), ડો.કે.જે.રમેશ (ડાયરેકટર ઈન્ડીયન મટીરીયોલોજી ડીપાર્ટમેન્ટ), ડો.કે.એસ.કિરણકુમાર (ચેરમેન, ઈસરો), ડો.ક્રિષ્ટોફર (ચેરમેન, ડીફેન્સ રીસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન), ડો.ગિરીશ સહાની (ડાયરેકટર જનરલ સી.એસ.આઈ.આર), ડો.શેખર બસુ (ડાયરેકટર, ભાભા ઓટોમીક રીસર્ચ સેન્ટર), કે.કે.શર્મા (ડાયરેકટર જનરલ બીએસએફ), સંજયકુમાર (ડાયરેકટર જનરલ એનડીઆરએસ), અનિલ સ્વરૂપ (સેક્રેટરી, કેન્દ્રિય/ શિક્ષણ વિભાગ), ડો.જસ્ટીશ પીનાકીચંદ્ર ઘોષ (મેમ્બર, હ્યુમનરાઈટસ કમિશન), જી.સતીષરેડ્ડી (એડવાઈઝર, ડીફેન્સ મીનીસ્ટ્રી), સંદિપરાય રાઠોડ (ડી.જી.સ્પેશ્યલ ટાસ્કફોર્સ તામીલનાડુ), ગજેન્દ્રસિંઘ (ડાયરેકટર જનરલ કોસ્ટગાર્ડ), ડો.એમ.અન્નાદુરાય (ડાયરેકટર મંગલયાન-ચંદ્રયાન પ્રોજેકટ), ડો.એસ.અરૂનન (સ્પે.પ્રોજેકટ ડાયરેકટર, ઈસરો), કે.વિજયકુમાર (સીનીયર સીકયુરીટી એડવાઈઝર, ગૃહ વિભાગ), દુર્ગાપ્રસાદ (ભૂ.પૂ.ડી.જી., સી.આર.પી.એફ અને એસ.પી.જી), પ્રો.કે.જે.રાવ (ડાયરેકટર ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ), મોહનગુરૂ સ્વામી (જાણીતા અર્થશાસ્ત્રી), જી.પાર્થસારથી (અર્થશાસ્ત્રી અને ડીપ્લોમેટ), પ્રકાશ મિશ્રા (ભૂતપૂર્વ મેમ્બર, યુપીએસસી), મુકેશ ખન્ના (જાણીતા ફિલ્મ અભિનેતા), સન્ની દેઓલ (જાણીતા ફિલ્મ અભિનેતા) હાજરી આપશે.
શિબિરનો નિત્યક્રમ
*સવારે ૪:૦૦ વાગ્યે ઉત્થાન
*સવારે ૪:૩૦ થી ૫:૩૦ યોગા
*સવારે ૬:૦૦ થી ૭:૩૦ સૈનિક શિક્ષા, જુડો, કરાટે, માર્શલ આર્ટ, સેલ્ફ ડિફેન્સ, શુટીંગ એન હોર્સ રાઈડીંગ
*સવારે ૮:૦૦ થી ૯:૦૦ બ્રેકફાસ્ટ
*સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ મહાનુભાવોના પ્રવચન, માર્ગદર્શન
*બપોરે ૧૨:૩૦ થી ૧:૩૦ લંચ
*બપોરે ૧:૩૦ થી ૨:૩૦ આરામ
*બપોરે ૨:૩૦ થી ૫:૦૦ મહાનુભાવોનું બીજુ પ્રવચન
*સાંજે ૫:૩૦ થી ૭:૩૦ અલગ અલગ એકસપર્ટના કાયદા, શિક્ષણ, અર્થશાસ્ત્ર, સુરક્ષાના અભ્યાસલક્ષી વર્ગ, તજજ્ઞો સાથે ગોષ્ઠી, પ્રશ્ર્નોતરી
*સાંજે ૭:૩૦ થી ૮:૩૦ ડીનર
*રાત્રે ૮:૩૦ થી સાંસ્કૃતિક કાર્યક્રમ