સ્વામિનારાયણ નગરમાં યોજાઇ પ્રથમ રવિસભા – ૧૦૦૦૦થી અધિક ભક્તો ભાવિકોની ઉપસ્થિતિ
આગામી સ્વાગત રવિસભા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે યોજાશે
રાજકોટના આંગણે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વામિનારાયણ નગરમાં ૧૦૦૦૦થી અધિક ભક્તો ભાવિકોની ઉપસ્થિતિમાં પ્રથમ રવિસભા યોજાઈ હતી. ઉત્સવ માટે તૈયાર કરવામાં આવેલ આ સભાહોલમાં અત્યારથી જ ભક્તો ભાવિકોનો ધસારો જોવા મળતો હતો.
છેલ્લા બે મહિનાથી સ્વામિનારાયણ નગરમાં સેવામાં જોડાયેલા ૩૦૦થી અધિક સંતો, ૩૦૦૦થી અધિક સ્વયંસેવકો તેમજ ઉપસ્થિત હજારો ભક્તો ભાવિકોને સારંગપુરથી પધારેલ પૂજ્ય નારાયણમુનિ સ્વામીએ આશિર્વચન પાઠવ્યા હતા અને હવે બાકીના દિવસોમાં ઉત્સાહથી સેવામાં જોડવા માટેનું બળ અને માર્ગદર્શન આપ્યું હતું.
મહોત્સવ નિમિત્તે સેવામાં જોડાયેલ સંતોનો પરિચય :
- લંડનની ઓક્સફર્ડ યુનિવર્સીટીમાંથી ગ્રેજયુએટ થયેલા પૂજ્ય પરમવિવેક સ્વામી જેઓ દર મહિને ૭ ઉપવાસ કરી
મહોત્સવમાં કોમ્પ્યુટર વિભાગમાં સેવા આપે છે. - અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સીટીમાંથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવનાર પૂજ્ય સુશીલમુનિ સ્વામી જેઓ એટલાન્ટાના નિવાસી છે અને તેમના માતા-પિતાના એકના એક સંતાન હતા તેમજ તેઓએ ખૂબ જ ઉચ્ચ પગાર ધોરણ છોડીને પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા લીધી હતી.
- ન્યુઝીલેન્ડથી સાધુ થનાર પૂજ્ય તિલકમુનિ સ્વામી પણ તેમના માતા-પિતાના એકના એક સંતાન હતા. તેઓ મહોત્સવમાં સેવાઓ આપી રહ્યા છે.
- અમેરિકાના ફિલાડેલ્ફિયાની મેડીકલ કોલેજમાં પ્રવેશ મળતો હતો પણ તે જતું કરીને પૂજ્ય આસ્તિકમુનિ સ્વામી અહીં મહોત્સવમાં ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ વિભાગમાં સેવાઓ આપે છે.
- પૂજ્ય દિવ્યનિકેત સ્વામી કેનેડાથી પાયલટનો અભ્યાસ કરીને ખુબ જ ઉચ્ચ સેલેરી સાથે નોકરી કરતા હતા અને તેનો ત્યાગ કરીને દીક્ષા લીધી છે.
- પૂજ્ય વેદનયન સ્વામી MBBS ડોક્ટર છે અને મહોત્સવના મેડીકલ વિભાગમાં સેવા આપે છે.
- પૂજ્ય સરલચિત સ્વામી, ડેનટીસ્ટ છે અને ઉજ્જવળ કારકિર્દીનો ત્યાગ કરીને સાધુ થયા છે.
- અમેરિકાના શિકાગોથી પૂજ્ય અખંડાનંદ સ્વામી ૨૦૧૬માં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે દીક્ષા લીધી અને ઉચ્ચ અભ્યાસ કરીને સાધુ થયા છે.
પૂજ્ય વત્સલમૂર્તિ સ્વામી, અમેરિકાના ન્યુયોર્કના વતની છે અને પરિવારના બધા સભ્યો ડોક્ટર છે તે પોતે સાયકોલોજીસ્ટ છે, પ્રમુખસ્વામી મહારાજના હસ્તે દીક્ષા લીધી હતી.
સ્વામિનારાયણ નગરમાં પ્રથમ રવિસભાના અંતિમ ચરણમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી અંગેની રૂપરેખા આપી હતી. મહોત્સવના અવસરે ૧૫ જેટલા રૂટ પર બસની સુવિધા મળશે જેની જાણકારી આપવામાં આવી હતી. આવતી સ્વાગત રવિસભા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે યોજાશે.
આજની પ્રમુખસ્વામી મંડપમમાં યોજાયેલ પ્રથમ રવિસભામાં સૌરાષ્ટ્રભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ભાવિકો ઉમટી પડ્યાં હતાં. આ સોનેરી અવસરની ઉજવણીને હવે માત્ર ૮ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે વિરાટ સ્વામિનારાયણ નગરમાં ૧૧ દિવસીય મહોત્સવ માટે સંતો અને હજારો સ્વયંસેવકો સેવકો દિવસ-રાત મહેનત કરી તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.