ભુજ, સાસણ અને ગીર સોમનાથની મુલાકાત બાદ હેલીકોપ્ટર મારફતે રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરશે: ત્યારબાદ પ્લેનમાં દિલ્હી જશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી તા.૩૧મીએ રાજકોટની ટ્રાન્ઝીસ્ટ વીઝીટ લેવાના હોવાની વિગતો મળી છે. તેઓ ભુજ, સાંસણ અને ગીર-સોમનાથની મુલાકાત બાદ હેલીકોપ્ટર મારફતે રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરવાના છે. બાદમાં તેઓ રાજકોટ એરપોર્ટથી પ્લેનમાં શીફટ થઈને દિલ્હી જવા રવાના થવાના હોવાનું જાણવા મળ્યું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્ષના અંતિમ દિવસોમાં ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓના આ ગુજરાત પ્રવાસના કારણે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભુજમાં ચાલી રહેલા રણોત્સવની પણ મુલાકાત લેવાના છે. ત્યારબાદ તેઓ સાંસણ તેમજ ગીર-સોમનાથનો પ્રવાસ પણ ખેડવાના હોવાનું તેઓના સત્તાવાર કાર્યક્રમમાં જણાવાયું છે. ગીર-સોમનાથથી તેઓ હેલીકોપ્ટર મારફતે રાજકોટ આગામી તા.૩૧મી બપોરે ૩ કલાકે આવી પહોંચવાના છે.
રાજકોટ એરપોર્ટ પર તેઓ હેલીકોપ્ટર મારફતે ઉતરાણ કર્યા બાદ પ્લેનમાં શીફટ થઈ દિલ્હી જવા રવાના થશે. રાષ્ટ્રપતિની રાજકોટ ખાતેની આ ટ્રાન્ઝીસ્ટ વિઝીટ અંગે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાને સત્તાવાર કાર્યક્રમ આપીને જાણ કરવામાં આવી છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા આજે બપોરબાદ એરપોર્ટના અધિકારીઓ સાથે બેઠક યોજશે.આ ઉપરાંત રાષ્ટ્રપતિની આ વિઝીટથી સમગ્ર જિલ્લાના વિભાગો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિની આ મુલાકાત વેળાએ એમ્બ્યુલન્સ, પોલીસ બંદોબસ્ત તેમજ તબીબોની ટીમોને તૈનાત રાખવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે.