સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના રહ્યા ઉપસ્થિત
ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આ પહેલાં લઘુ-સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ તેમજ સહકાર મંત્રી જગદિશભાઈ વિશ્વકર્મા સહિત મહાનુભાવોએ ગીતામંદિર હેલિપેડ પર રાષ્ટ્રપતિ નું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
મંદિરમાં સૌ પ્રથમ સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈએ પુષ્પહારથી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યુ હતું. જે પછી શરણાઈની સૂરાવલી સાથે સોમનાથના પંડિતો અને સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિકુમારો દ્વારા શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી સુરીનામના રાષ્ટ્રપતિનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી રાષ્ટ્રપતિના હસ્તે સોમેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી.
જે પછી તેમણે દેવાધિદેવ મહાદેવને ધ્વજારોપણ પણ કરી હતી. જ્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમારે મોમેન્ટો આપી અને શાલ ઓઢાડી રાષ્ટ્રપતિશ્રીનું સન્માન કર્યુ હતું.રાષ્ટ્રપતિશ્રીએ સોમનાથ મંદિરની મુલાકાત પુસ્તિકામાં પ્રતિભાવ લખતા જણાવ્યુ હતુ કે, મને મળેલા સત્કાર, મિત્રભાવના અને પ્રાર્થનાઓ માટે સુરીનામ સરકાર અને સુરીનામના નાગરિકોવતી હું બધાનો આભાર વ્યક્ત કરૂં છું. અહીંની પ્રાર્થનાઓથી મારા દેશ અને દેશવાસીઓ માટે આશીર્વાદ અને સમૃદ્ધિ મળશે, ધન્યવાદ.
આ પહેલા રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીનું સોમનાથ ખાતે આગમન થતાં મંત્રી શ્રી જગદિશ વિશ્વકર્મા સહિત ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ, જૂનાગઢ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિશ્રીની સોમનાથ મુલાકાત દરમિયાન, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા, પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક એસ.પી. સૈની તેમજ જિલ્લાના શીર્ષ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.