જૂનાગઢ ખાતે ઐતિહાસિક ઉપરકોટમાં અડી કડી વાવ, નવઘણ કુવો, અનાજ ભંડાર, બૌદ્ધ ગુફાઓ નિહાળતા રાજ્યપાલ
ઐતિહાસિક ધરોહર મહાનુભાવોનો ઇતિહાસ રાષ્ટ્રના વિકાસમાં કાયમ માટે માર્ગદર્શન આપે છે. તેમજ ઐતિહાસિક વિરાસતની જાળવણી આવનારી ભવિષ્યની પેઢી માટે પ્રેરણારૂપ છે, તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જણાવ્યું હતું.
રૂ. 45.46 કરોડના ખર્ચે પૈારાણિક ઉપરકોટના કિલ્લાના જીર્ણોધ્ધારની કામગીરી પ્રવાસન વિભાગ દ્વારા કાર્યરત છે. આ સંદર્ભે રાજ્યપાલએ ગુજરાત સરકારની સાંસ્કૃતિક વિરાસતોની જાળવણીની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે, આ કામગીરીથી દેશભરના ટુરીસ્ટો આ કિલ્લાને નિહાળવા આવશે પ્રવાસનને વેગ મળશે.
રાજ્યપાલએ ઉપરકોટની મુલાકાત દરમ્યાન અડી કડી વાવ, નીલમ તોપ, નવઘણ કુવો, અનાજના ભંડાર, રાણકદેવી મહેલ, બૌદ્ધ ગુફાઓ સહિતના પૌરાણિક સ્થળો નિહાળી તેના ઇતિહાસ વિશે તલસ્પર્શી વિગતો મેળવી હતી.
જૂનાગઢની એક દિવસની મુલાકાતે આવેલા રાજ્યપાલએ ઉપરકોટ ખાતે વોચ ટાવર પરથી જૂનાગઢનો નજારો પણ માણ્યો હતો. તેમણે ગીરનાર તેમજ અહિના પૌરાણિક મંદિરો સૌના માટે આકર્ષણના કેન્દ્ર છે, તેને નિહાળવાનો આનંદ છે. તેમ જણાવ્યું હતું.
ટુરીઝમ વિભાગના અધિકારીઓએ ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે તેમ જણાવવા સાથે રીસ્ટોરેશનની ફીલાસોફી મુજબ જે તે સાઇટ સ્મારકની પ્રાચીન ભવ્યતા પ્રસ્થાપીત કરવામાં આવે છે. એમા કોઇ નવી કે વધારાની કામગીરી કરવાની ન હોય તેમજ આ કામગીરી વખતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ધઝર્વેશન અને રીસ્ટોરેશનના માપદંડ અનુસરવાના હોય છે.
ઉપરકોટની મુલાકાત પહેલા રાજ્યપાલએ ભારત વર્ષના ભવ્ય ભુતકાળની ઝાંખી કરાવતા સમૃધ્ધ અશોકના શિલાલેખ અને ગિરનાર રોપ-વે સાઇટની પણ મુલાકાત લીધી હતી.
રાજ્યપાલની આ મુલાકાત પ્રસંગે જિલ્લા કલેકટર રચિતરાજ, મ્યુનિસિપલ કમિશનર આર.એમ. તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રવીન્દ્ર જાડેજા સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા.
રાજ્યપાલના અધ્યક્ષસ્થાને જુનાગઢમાં પર્યાવરણ ચિંતન શિબિર યોજાઇ
જૂનાગઢની મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કૃષિ યુનિ. ઓડિટોરીયમ હોલ ખાતે પર્યાવરણ ચિંતન શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે રાજ્યપાલએ કહયુ કે, પ્રાકૃતિક ખેતી જ પર્યાવરણની સૌથી મોટી રક્ષક છે. રાસાયણિક ખેતીના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે. ખર્ચ વધી રહ્યો છે. સાથે જ પાણી, ખોરાક, પર્યાવરણ દુષિત થઇ રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરવા સંકલ્પ લેવા સાથે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના અભિયાનમાં જોડાવા તેમણે સૌને અનુરોધ કર્યા હતો.
ગુજરાતનો ખેડુત પ્રાકૃતિક કૃષિ મોડલ અપનાવી દેશભરના ખેડુતો માટે રાહબર બને તેમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યુ કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 1,97,000 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતીથી ખર્ચ શૂન્ય થાય છે, ઉત્પાદન વધે છે. સાથે જ જમીનની ફળદ્રુપતા વધશે, ગાયનું જતન થશે. તેમજ ખેડૂતોની આવક બમણી થશે. રાજ્યપાલએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, બાળકના સર્વાંગીણ વિકાસમાં શિક્ષકોનું સ્થાન મહત્વનું છે.
અધ્યાપક આજે પણ સૌથી વધુ સન્માનીય છે. હાલ દેશભરમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચાલી રહ્યું છે. એમાં શિક્ષકો પણ જોડાઇ. શિક્ષક દરેક ગામ, સમાજના લોકો વચ્ચે જઇ લોકોને સમજાવે, અને સમાજમાં ક્રાંતિ લાવે. તેમણે વધુંમા જણાવ્યું હતું કે, લોકો હવે ફેમીલી ડોક્ટર નહિ, ફેમિલી ખેડૂત રાખે એ જરૂરી છે.