દરિયા કિનારાના ગામોમાં સાગર રક્ષક બંધ કાર્યરત કરો.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામખંભાળીયા ખાતે રાજકોટ રેન્જ આઇ.જી. સંદીપસિંહના અઘ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાઇ ગયેલ. જેમાં દ્વારકા તાલુકા સરપંચ મંડળના પ્રમુખ વરજાંગભા જેઠાભા માણેક દ્વારા ઓખા મંડળના વિવિધ પ્રશ્ર્નો પરત્વે લેખીત તથા મૌખિક રજુઆતો કરેલ છે.
વરજાંગા માણેક દ્વારા રજુઆતમાં જણાવેલ છે કે, દ્વારકા તાલુકાના ધીણકી ગામની આઉટ પોસ્ટ હાલમાં ૧૯ ગામડાનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં આઝાદી પછી પણ હાલમાં એક જ આઉટ પોસ્ટ કાર્યરત છે. જેમાં હાલમાં બે જમાદાર તથા બે પોલીસ એમ કુલ ૪ (ચાર) કર્મચારીનો ખુબ જ ઓછો સ્ટાફ છે. આ જ વિસ્તારમાંથી નેશનલ હાઇવે કુરંગાથી દ્વારકા સુધી આવે છે જેમાં અવાર નવાર અકસ્માતના બનાવો બને છે. આ ઉ૫રાંત કુરંગા ગામે વિશાળકાય આર.એસ. પી.એલ. લી. (ઘડી કંપની) નો મોટો પ્રોજેકટ કાર્યરત છે. જેમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિય મજુરો કામ કરે છે.
ધીણકી ગામ તથા આજુબાજુનો વિસ્તાર દરીયાઇ પટી પર આવેલ હોવાથી તેમજ અત્યંત સંવેદનશીલ વિસ્તાર હોવાથી હાલતી પરિસ્થિતિ ઘ્યાને લેતા ધીણકી આઉટ પોસ્ટમાં સ્ટાફની સંખ્યા વધારવી થા એક ફોરવ્હીલર વાહન ફાળવવું તેમજ કુરંગા ગામે એક અલગ આઉટ પોસ્ટ ઉભી કરવી. આ ઉપરાંત ઓખા મંડળના દરેક ગામોમાં ગ્રામરક્ષક દળ ઉભું કરવું તેમજ દ્વારકા તાલુકો દરીયાઇ પટી પર આવેલા હોવાથી દરીયા કિનારાના ગામોમાં સાગર રક્ષક દળ કાર્યરત કરી ગામડાના સ્થાનીક યુવાનોની નિમણુંક કરવી.
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અવાર નવાર વીવીઆઇપી મહાનુભાવો દ્વારકાધીશના દર્શનાર્થે આવતા હોવાથી પોલીસ સ્ટાફ વધારવો તથા આ વિસ્તાર સરહદીય દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ હોવાથી તેમજ પાકિસ્તાન આ ક્ષેત્રથી ખુબ જ નજીક હોવાથી પોલીસ સ્ટેશનમાં અત્યાધુનિક વાહનો ફાળવવા સહીતના વિવિધ મુદ્દાઓ પરત્વે લેખીત તથા મૌખિક રજુઆતો કરી પ્રશ્ર્નોનો વહેલી તકે ઉકેલ લાવવા જણાવેલ છે.