રાજયભરમાં ગરમીનો પ્રકોપ અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત હોવાને લીધે ઉનાળું વેકેશન ૧૭મી જુન સુધી લંબાવવા માંગ
રાજયની શાળાઓમાં વેકેશનનો માહોલ પુરો થવાની તૈયારી છે ત્યારે વેકેશન એક સપ્તાહ લંબાવવાની દરખાસ્ત શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. આ દરખાસ્ત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં ત્રણ અલગ-અલગ મુદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજયમાં ગરમીનો ભારે પ્રકોપ, ગ્રામ્ય વિસ્તારમાં પાણીની અછત અને સુરતની આગની ઘટના બાદ શાળાઓનાં રૂમ ગેરકાયદે બાંધકામવાળા તોડી પાડવામાં આવ્યા છે જેથી અપુરતા કલાસનાં કારણે પણ આ રજુઆત કરવામાં આવી છે. આ વેકેશન ૧૦ જુનનાં રોજ પૂર્ણ થાય છે તેનાં બદલે તેને લંબાવીને ૧૭મી જુન સુધી કરવાની દરખાસ્ત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતની આગની ઘટના બાદ રાજયભરમાં તંત્ર દોડતું થયું છે અને શાળાઓ ખુલ્લે તે પહેલા દરેકશાળાઓ જયાં શેડસ અને તેનાથી બનાવેલા રૂમ હોય તેને તોડી પાડવાનું કામ કરવામાં આવ્યું છે. આ કારણે હાલમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસાડવા અને તાત્કાલિક નવા વર્ગખંડ ઉભા કરવાની સમસ્યા બની ગઈ છે. બીજી બાજુ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં વિવિધ સ્થળે પાણીકાપ કરવામાં આવ્યો હોવાથી શાળાઓમાં પણ પાણીની અછત સર્જાય શકે છે એવામાં હાલમાં આ વખતે ૧૦ જુનથી શાળાઓ શરૂ કરવી સંચાલકો માટે કફોડી સ્થિતિ બની ગઈ છે તેથી જ વેકેશન ૧૭ જુન સુધી લંબાવવાની રજુઆત ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કરવામાં આવી છે. આ ઉપરાંત રાજયભરમાં ગરમીનો પ્રકોપ જારી છે અને હજુ એક થી બે અઠવાડીયા સુધી ગરમીનો ભારે પ્રકોપ રહે તેવી શકયતા જોવા મળી રહી છે જેનાં પગલે શાળાઓમાં વિદ્યાર્થીઓ ગરમીથી ત્રાહિમામ ન પોકારે એ માટે ઉનાળું વેકેશન ૧૭મી જુન સુધી લંબાવવાની રજુઆત કરવામાં આવી છે.