પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે વિજયભાઈ રૂપાણીની રૂબરૂ મુલાકાત લીધી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં હોદેદારો પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસીયા, મંત્રી નૌતમભાઈ બારસીયા, કારોબારી સભ્ય નિલેશભાઈ ભલાણી, કુલનલાલ વરસાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ રાજકોટ-સૌરાષ્ટ્રનાં વિવિધ મહત્વનાં પ્રશ્નો અંગે રજુઆત કરેલ. રાજકોટ ચેમ્બર દ્વારા આગામી જાન્યુઆરી-૨૦૨૦ વાઈબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમીટમાં ઉદઘાટક તરીકે હાજરી આપવા આમંત્રણ આપવામાં આવેલ. રાજકોટ-સૌરાષ્ટ્રનાં ઉધોગકારો અને પ્રજાજનો કામકાજો તથા મેડિકલ ઈમરજન્સી માટે અવાર-નવાર રાજકોટ-મુંબઈ તથા દિલ્હી એરલાઈન્સ મારફત મુસાફરી કરતા હોય છે ત્યારે હાલમાં આ બંને શહેરો વચ્ચે જેટ એરવેઈઝ દ્વારા એરલાઈન્સ સેવા બંધ થવાનાં કારણે ઉધોગકારો તથા પ્રજાજનો ખુબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે માટે રાજકોટ તથા મુંબઈ એરપોર્ટ ખાતે પરમનેન્ટ પાર્કિંગ સ્લોટ મળે તો જેટ એરવેઈઝ અને અન્ય એરલાઈન્સો પણ ફલાઈટ શરૂ કરવા માટે તૈયાર છે તો આ સુવિધા માટે તાત્કાલિક યોગ્ય કરવા રજુઆત કરવામાં આવેલ.
કેન્દ્ર સરકાર દ્વારા વન ટેક્ષ વન નેશનને ધ્યાને લઈને ગુજરાત રાજયમાંથી વ્યવસાય વેરો નાબુદ કરવા તેમજ જુના કેસોની વ્યાજ માફી તથા નાના વ્યવસાયકારોને ૨.૫૦ લાખ ટર્ન ઓવરની મર્યાદામાં વ્યવસાયવેરો લાગુ પડતો ન હોય તો તેને વ્યવસાયવેરામાંથી મુકિત આપવા રજુઆત કરેલ. રાજકોટ શહેર તેમજ આસપાસનાં રૂડા વિસ્તારને લગતી માળખાકીય સુવિધાઓ વહેલી તકે પ્રાપ્ત થાય તે માટે રજુઆત કરવામાં આવેલ. રાજકોટ ચેમ્બરનાં પ્રતિનિધિ મંડળની રજુઆત અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સહાનુભૂતિ દર્શાવી ચેમ્બર દ્વારા ધ્યાન પર મુકાયેલ પ્રશ્નો અંગે તુરંત યોગ્ય કરવામાં આવશે તેવી ખાત્રી આપેલ છે તેમ યાદીમાં જણાવ્યું છે.