આગામી 5 વર્ષમાં સરકારી કચેરી, બોર્ડ નિગમ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 2 લાખ યુવાનોની નવી ભરતી કરાશે
અંદાજપત્રમાં આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ-રસ્તા, વીજળી, સિંચાઈ અને બંદરોના વિકાસની માળખાકીય સુવિધાને વધુ મજબૂત કરવા પર ભાર મુકાયો
ગુજરાતની વિકાસની વણથંભી યાત્રાને વધુ વેગવંતી બનાવવાના બુલંદ ઈરાદા સાથે આજે નાણામંત્રી નિતીનભાઈ પટેલે વર્ષ 2021-22 માટે રૂા.2,27,029 કરોડનું કદાવર બજેટ રજૂ કર્યું છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, પીવાના પાણી જેવી પાયાની જરૂરીયાતને વધુ સુદ્રઢ કરવા અને રસ્તા, સિંચાઈ, વિજળી અને બંદરોના વિકાસના માળખાગત સુવિધાનું મજબુતીકરણ અને નવી ઔદ્યોગીક નીતિ, નવી પ્રવાસન નીતિ, નવી સોલાર નીતિ દ્વારા રોજગાર સર્જન જેવા અગત્યના ક્ષેત્ર પર ભાર મુકવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરતા નાણામંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઈતિહાસમાં ક્યારેય ન જોઈ હોય તેવી કોરોનાની વૈશ્ર્વિક મહામારીમાંથી હવે બહાર આવી રહ્યાં છીએ. રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા છેલ્લા બે દાયકામાં સેવાકીય અને માળખાકીય કામો જેવા કે મેડિકલ કોલેજ, હોસ્પિટલ, આધુનિક લેબોરેટી, બ્લડ બેંક, 108 જેવી સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. કોરોના કાળમાં ગુજરાત સરકારે 14000 કરોડનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ અમલમાં મુક્યું હતું. 7 પગલા ખેડૂત કલ્યાણના સુત્રો સાથે ખેડૂતો સાથે ખભ્ભા મિલાવી ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે. કોરોનામાં જ્યારે દુનિયાભરના દેશોની અર્થ વ્યવસ્થા વિખેરાઈ હતી ત્યારે ગુજરાતમાં વિકાસ અને પ્રજાલક્ષી યોજનાઓ યથાવત રાખવામાં આવી હતી જે રાજ્યમાં સુશાસનની પ્રતિતિ કરાવે છે. દેશના જીડીપીમાં 8 ટકાનું નોંધપાત્ર યોગદાન આપતા ગુજરાતમાં એપ્રીલથી સપ્ટેમ્બર 2020માં સરકારના અથાગ પ્રયત્નોથી 1,19,000 કરોડનું માતબર વિદેશી મુડી રોકાણ આવ્યું હતું જે દેશમાં મુડી રોકાણના 53 ટકા જેટલો ભાગ છે.
તેઓએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં 15 ટકા આશરે 90 લાખની વસ્તી આદિજાતીની છે. છેલ્લા 13 વર્ષમાં આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે રૂા.96,000 કરોડની માતબર રકમ વાપરવામાં આવી છે અને આગામી 5 વર્ષ માટે 1 લાખ કરોડની યોજના અમલમાં મુકવાની જાહેરાત આજે બજેટમાં નાયમ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના દરિયા કિનારાના 15 જિલ્લાના 29 તાલુકાના 2720 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગર ખેડૂ વિસ્તારના વિકાસમાં નવો અધ્યાય ઉમેરવા 50,000 કરોડની સાગર ખેડૂ સર્વાંગી કલ્યાણ યોજન-2 જાહેર કરવામાં આવી છે. આગામી 5 વર્ષમાં સરકારી કચેરીઓ, બોર્ડ નિગમ, ગ્રાન્ટેડ સંસ્થા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં લાયકાત ધરાવતા અંદાજે 2 લાખ યુવાનોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 5 વર્ષમાં મેન્યુફેકચરીંગ, ફાર્મા, આઈટી, પ્રવાસન, હોસ્પિટાલીટી, ફૂડ પ્રોસેસીંગ, બેન્કિંગ, સર્વિંસ સેકટર સહિતના વિવિધ ક્ષેત્રમાં યુવાનો માટે 20 લાખ રોજગારીની તક ઉભી કરવામાં આવશે.
નાણામંત્રી નીતિનભાઈ પટેલે ઉમેર્યું હતું કે, સૌનો સાથ, સૌના વિકાસ, સૌના વિશ્ર્વાસને મુર્તિમંત કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સરકાર કામ કરી રહી છે અને આજે હું નાણામંત્રી તરીકે નવમું અંદાજપત્ર રજૂ કરું છું. કોરોનાના કપરાકાળમાં પણ ગુજરાતે વિકાસ યાત્રા જાળવી રાખી છે અને આ વણથંભી વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવા માટે અત્યાર સુધીનું સૌથી મોટુ અને ઐતિહાસિક રૂા.227029 કરોડનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કર્યું છે. જેમાં આરોગ્ય, શૈક્ષણિક, પીવાના પાણી જેવી જરૂરીયાતને વધુ સુદ્રઢ બનાવવા ભાર મુકવામાં આવ્યો છે. સાથો સાથ રસ્તા, વીજળી, સિંચાઈ અને બંદરોના વિકાસની માળખાગત સુવિધાનું મજબુતીકરણ અને નવી ઔદ્યોગીક, પ્રવાસન અને સોલાર નીતિ દ્વારા રોજગારનું સર્જન જેવા અગત્યના ક્ષેત્રો પર ભાર મુકવામાં આવ્યો છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂા.7232 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
બાગાયત ખાતાની યોજના માટે રૂા.444 કરોડ, જળ સંપતિ વિભાગ માટે રૂા.5495 કરોડ, આદિજાતિ વિસ્તાર માટે રૂા.1349 કરોડ, કલ્પસર પ્રભાગ માટે રૂા.1501 કરોડ, શિક્ષણ વિભાગ માટે રૂા.32719 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂા.11323 કરોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂા.3511 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા માટે રૂા.3774 કરોડ, સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગ માટે રૂા.4353 કરોડ, આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂા.2656 કરોડ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂા.8796 કરોડ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે રૂા.13793 કરોડ, શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂા.1502 કરોડ, માર્ગ અને મકાન વિભાગ માટે રૂા.11185 કરોડ, બંદરો અને વાહન-વ્યવહાર વિભાગ માટે 1478 કરોડ, ઉર્જા અને પેટ્રો કેમીકલ વિભાગ માટે રૂા.13034 કરોડ, કલાઈટમેટ ચેન્જ માટે રૂા.910 કરોડ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂા.599 કરોડ, પ્રવાસન માટે રૂા.488 કરોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલોપ માટે રૂા.690 કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે 1804 કરોડ, ગૃહ વિભાગ માટે 7960 કરોડ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂા.1224 કરોડ, મહેસુલી વિભાગ માટે 4548 કરોડ, વિજ્ઞાન અને પ્રોદ્યોગીક વિકાસ માટે રૂા.563 કરોડ, રમત-ગમત, યુવા અને સંસ્કૃતિ વિભાગ માટે 507 કરોડ, માહિતી અને પ્રસારણ વિભાગ માટે 168 કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે રૂા.1720 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રૂા.587.88 કરોડની પુરાંત ધરાવતું રૂા.227029 કરોડનું બજેટ આજે નાણામંત્રી દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે.