રાજ્યની અદાલતોને પુન: ચાલુ કરવા માટે જામનગરના શેડ્યુઅલ કાસ્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા રજુઆત કરવામાં આવી છે. લોકડાઉનના કારણે જુનિયર વકીલોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો હોય તે બાબતની છણાવટ કરવામાં આવી છે.

હાલમાં સમગ્ર ભારત દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે ગઈ તા. ૨૫ માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. તે પહેલાં જ જામનગરની તમામ અદાલતોનું કામકાજ બંધ કરી સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા હતાં. તે પછી ગઈ તા. ૧થી સરકારની સૂચનાથી અનલોક-૧ જાહેર કરવામાં આવ્યું છે તે પછી હજુ પણ અદાલતનું કામકાજ શરૃ કરવામાં આવ્યું ન હોય જુનિયર વકીલોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ જામનગર જિલ્લા શેડ્યુઅલ કાસ્ટ એડવોકેટ એસો. દ્વારા હાઈકોર્ટના રજીસ્ટાર જનરલને રજુઆતમાં જણાવવામાં આવ્યું છે. સરકારી કે ખાનગી ઓફિસ અને રાજ્યની તમામ અદાલતોનું કામકાજ બંધ હોવાના કારણે જુનિયર વકીલોને કોઈ કામ મળી રહ્યું નથી અને આવકનું અન્ય કોઈ સાધન ન હોવાથી તેઓને રોજીરોટીનો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે. સાત વર્ષથી નીચેના ગુન્હામાં જે-તે પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓને જામીન આપવામાં આવતા હોય તેની પણ આવક જુનિયર વકીલને મળી રહી નથી. આથી રાજ્યની અદાલતોને પુન: ચાલુ કરવા એસો. દ્વારા રજુઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.