દસ એકરિયા વિસ્તારમાં પાણીના ટેન્કર આવવાનું છેલ્લા છ મહિના થી બંધ: કચરીઓ એક બીજા ને ખો આપવામાં મશગુલ
હળવદ તાલુકાના દસ એકરીયા વિસ્તારમાં પીવાના પાણીની કોઈ સગવડ નથી.અગાઉ અહી ટેન્કર મારફતે પીવાનું પાણી અપાતું હતું પરંતુ છેલ્લા છ મહિનાથી અહી ટેન્કર થી પાણી વિતરણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.પીવાના પાણી માટે વલખા મારતા દસ એકરિયા વિસ્તારના અગરીયાઓએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલો દસ એકરિયાં તરીકે ઓળખાતો વિસ્તાર ૬૦ થી ૭૦ કીમીમાં પથરાયેલો છે.આ વિસ્તારમાં પીવાના પાણીની કોઈ કાયમી વ્યવસ્થા નથી. આખા વર્ષ દરમિયાન આ વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.પરંતુ ગત ઑક્ટોબર ૨૦૧૭ થી મોરબી પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર કચેરીની સૂચના થી ટેન્કર મારફતે પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
આ બાબતે અગરિયાઓએ કાર્યપાલક ઇજનેરને રૂબરૂ રજૂઆત કરી હોવા છતાં તેઓએ ટેન્કર ચાલુ કરાવવા મંજૂરી આપેલ નથી. તેઓએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા જિલ્લા કલેકટરને રજૂઆત કરવાનું કહ્યું હતું.જેથી અગરિયાઓ એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં રજૂઆત કરી તો ફરી ત્યાંથી પાણી પુરવઠા વિભાગને ખો આપવામાં આવી હતી.બંને કચેરીઓ ના ધક્કા ખાધા બાદ પણ કોઈ પરિણામ મળ્યું નથી.જેથી અગરિયાઓ અંતે જિલ્લા કલેકટર ન્યાય આપશે તેવી આશાઓ સેવી રહ્યા છે.