જલારામ જયંતિનો દિવસ પણ રજા તરીકે જાહેર કરવા માંગ
જામનગરના વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્રના વીરપુર ગામમાં આવેલ જલારામ મંદિરનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવા તેમજ જલારામ જયંતીના દિવસની જાહેર રજા જાહેર કરવા માંગણી કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા વિસ્તૃત આવેદનપત્રમાં ફાઉન્ડેશનના પ્રમુખ ભરત કાનાબારના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર ગુજરાત તથા સમગ્ર વિશ્વમાં સર્વ ધર્મપ્રેમીઓ માટે આસ્થાનું કેન્દ્ર એવું વીરપુરમાં આવેલું સંતશ્રી જલારામ મંદિર છે. પૂ. જલારામ બાપાને હિન્દુ મુસ્લિમનો ભેદભાવ વગર સર્વ જ્ઞાતિઓ આસ્થાભેર માને છે, અનેક માનતાઓ કરે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
વિશેષમાં સમગ્ર વિશ્વનું એકમાત્ર આ તિર્થધામ યાને મંદિર છે કે જ્યાં એકપણ રૃપિયાનું રોકડ સ્વરૃપનું દાન લેવામાં આવતું નથી કે કોઈપણ પ્રકારની કિંમતી ભેટ સોગાદો સ્વીકારવામાં આવતી નથી કે અન્નદાન પણ લેવામાં આવતું નથી. સંત જલારામ મંદિર આ દેશનું એક ગૌરવપૂર્ણ આધ્યાત્મિક સ્થાનક છે.
ત્યારે તેનો સમાવેશ પવિત્ર યાત્રાધામની યાદીમાં કરવા માટે તાકીદની અસરથી જાહેરાત કરવામાં આવે તેવી સૌરાષ્ટ્ર-ગુજરાત તથા દેશ-વિદેશમાં વસતાં રઘુવંશીઓની લાગણી અને માંગણી છે તેમજ જાહેર રજાઓની યાદીમાં જલારામ જયંતીનો દિવસ પણ જાહેર રજા તરીકે જાહેર કરવા માંગણી છે.