રાજુલાના ખેરા ગામે મંદિરના ઓટલે ભણી રહ્યા છે ભુલકાઓ
જુની બિલ્ડીંગ તોડી પડાયા બાદ એજ જગ્યાએ નવા ઓરડા બનાવવા ગ્રામજનોની માંગ
રાજુલાના ખેરા ગામના ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખુલ્લામાં (ભગવાન ભરોસે) માતાજીના મંદિરમાં શિક્ષણ લેવા મજબુર છે. સરકારના બેટી પઢાવના દાવાઓનો અને છેવાડાના ગામનાં ગરીબ લોકોની સાર સંભાળની વાતો સાવ પોકળ પુરવાર આ બનાવમાં થઈ રહી હોવાનું જણાય છે.આ અંગે ગ્રામજનો દ્વારા નાયબ કલેકટરને સંબોધેલ આવેદનપત્ર મામલતદારને પણ આપેલ છે.
આ આવેદનપત્રમાં એવી રજુઆત કરેલ છે કે જુની બિલ્ડીંગ પાડેલ તે જગ્યાએ શાળાના ઓરડા બનાવવાની કાર્યવાહી કરવા માટે એસ.એમ.સી. કમિટીએ (સ્કુલ મેનેજમેન્ટ કમિટી) વારંવાર ઠરાવો કરેલ છે અને જુની સ્કુલવાળી જગ્યામાં જ સ્કુલ બનાવવા માંગણી કરેલ છે. તાત્કાલિક આ અંગે નિર્ણય નહીં લેવામાં આવે તો ઉપવાસ પર બેસવાની ફરજ પડશે અને બાળકો સ્કુલે જવાથી વંચિત રહેશે અને બાળકોનું ભવિષ્ય બગડે તેવા સંજોગો ઉભા થશે.જેથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ છે. જીલ્લામાં બાળકોને અભ્યાસ અર્થે જવાથી ત્યાં ન તો શૌચાલયની વ્યવસ્થા છે કે ન તો પાણીની વ્યવસ્થા. આમ ભારત સરકારના સ્વચ્છતા અભિયાનનો પણ અહીંયા છેદ ઉડી જાય છે. શાખાનું બિલ્ડીંગ તોડી પડાયા બાદ સરપંચ અને ગ્રામજનો વચ્ચે નવા બિલ્ડીંગ માટેના મતભેદોનો ભોગ કુમળા બાળકો થઈ રહ્યા હોય સરકાર તાકિદના પગલા ભરે તેવી માંગ ઉઠી છે.
આ અંગે રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરનો સંપર્ક સાધતા ડેરે આ અંગે જિલ્લાની સંકલન સમિતિમાં આ પ્રશ્ન મુકી તાકીદે નિવેડો લાવવા રજુઆત કર્યા પછી આગામી ૧૫ દિવસમાં નવી શાળા માટેના મકાન બનાવવાની કામગીરી શરૂ થઈ જશે.
તેમજ તેઓએ એવું પણ જણાવેલ છે કે, દરિયાઈ પટ્ટી ઉપર સરકારે એજયુકેશનમાં ધ્યાન આપવું જોઈએ. કારણકે આ વિસ્તારો અતિ પછાત વિસ્તારમાં આવે છે અને આ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ખુબ જ નીચે છે અને જેના કારણે જ ડેર દ્વારા પોતાના પગાર-ભથ્થા જે ધારાસભ્યને મળે છે તે શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે છે. જેથી આ વિસ્તારમાં સરકારે પણ કાળજી રાખવી જોઈએ. જેથી આવા ગરીબ વિસ્તારો રાજયના મુખ્ય પ્રવાહમાં જોડાય શકે તેવું અંતમાં જણાવ્યું હતું.