- ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવે કલેકટર, મ્યુ. કમિશનરને પત્ર પાઠવી કરી રજૂઆત
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ શહેરમાં ફાયર સેફટીના સાધનો મુદે ઝુંબેશ શરૂ કરી એક પછી એક બિલ્ડીંગને સીલ મારવાનું અને નોટીસ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વેપારીઓમાં આ બાબતે રોેષ ભભૂકી ઉઠ્યો છે. ફાયર એનઓસી વગરનાં એકમોના આસામીઓ દ્વારા ફાયર એનઓસી કઢાવવા માટે કોર્પોરેટર ડોટ મૂકી છે. પરંતુ મનપા દ્વારા ઓફલાઈન કે ઓનલાઈન એનઓસી કાઢવા ઉપર બ્રેક લગાવી દેતા અને વેપારીઓને ખોટીરીતે હેરાન કરતા દેકારો બોલી ગયો છે. આ બાબતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રમુખ વી.પી. વૈષ્ણવ આગળ આવ્યા છે. અને તેમણે કલેકટર તેમજ આરએમસી કમિશ્નર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે, અગ્નિશાસક યંત્રો અને વેપારીઓને ખોટી રીતે હેરાન પરેશાન ન કરવામાં આવે અને સાથોસાથ સરકારી કામગીરીમાં તમામ વેપારીઓ પણ સહયોગ કરે તેમ જણાવ્યું હતુ.
ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ વહિવટીતંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્યાએ અગ્નિશામક યંત્રો અને એનઓસી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કાયદાકીય કાર્યવાહીમાં તંત્રેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સંપુર્ણ સહયોગ આપે છે.
પરંતુ ઘણા વેપારીઓની અમારી પાસે ફરીયાદ આવેલ છે કે તેઓ દ્વારા વર્ષ 2019 માં અગ્નિશામક યંત્રો માટે અરજીઓ કરેલ હતી ત્યારે તે સમયે કોઈપણ જાતનો પ્રતિસાદ મળેલ ન હોત અને આવી કોઈ જરૂરીયાત રહેતી નથી તેવું વહિવટી તંત્રો દ્વારા મૌખિક જણાવવામાં આવેલ હતું.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી હરહંમેશ વેપાર-ઉદ્યોગકારોના પ્રશ્નોને વાચા આપી યોગ્ય ન્યાય મળે તે માટે કાર્ય કરી રહયું છે. ત્યારે હાલમાં અગ્નિશામક યંત્રો અને એનઓસીની કાર્યવાહી દરમ્યાન વહિવટીતંત્રના અધિકારીઓ દ્વારા કોઈપણ વેપારીઓને ખોટી રીતે હેરાન-પરેશાન ન કરવા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા કલેકટર તથા મ્યુનિશીપલ કમિશ્નર સમક્ષ લેખિતમાં ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ છે અને જો કોઈ અધિકારી વેપારીઓને ખોટીરીતે હેરન-પરેશાન કરશે તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી શાંત બેસશે નહી અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
પ્રમુખ વી.પી. વૈષ્ણવએ જણાવેલ છે કે જે કોઈ વેપારીઓને અધિકારીઓ આ બાબતે હેરાન-પરેશાન કરે તો વિના શંકોચે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર અમોને જાણ કરવી. જેથી વેપારીઓને યોગ્ય રીતે ન્યાય મળી શકે. સાથો સાથ સરકારી કામગીરીમાં તમામ વેપારીઓને પણ સહયોગ આપવો.